Vidhyasahayak Bharti 2025: ગુજરાત શિક્ષણ વિભાગે થોડા દિવસ પહેલા ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024 ની વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે હવે શિક્ષણ વિભાગે ભરતીના ઉમેદવાર માટે પુનઃ જિલ્લા પસંદગીને લઈને કોલ લેટર મેળવવા માટેની સૂચના આપી છે.
કોલલેટર ડાઉનલોડ કરવાની સૂચના
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024 ની ભરતી અન્વયે ઉમેદવારોની ફરીથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં ઉમેદવારોને 05 જૂનથી 28 જૂન 2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે. તેને લઈને તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવવામાં આવેલ છે.
જાણકારી …વિદ્યા સહાયક ભરતી માટેની પ્રક્રિયા ફરી શરૂ pic.twitter.com/E8R3x1HtN4
— Janak sutariya (@Janak_Sutariyaa) June 2, 2025
આ ઉપરાંત જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પરથી જ ઓનલાઇન કોલ લેટર મેળવવાના રહેશે. જેમાં અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં. જેથી 17 મે, 2025 ના રોજ પ્રસિદ્ધ કરેલ કટ-ઓફ માર્ક્સ અને અન્ય સૂચનાઓ યથાવત રહેશે.
આ કારણોસર રદ કરવામાં આવી હતી
પહેલા ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024 ની વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર 'રિઝલ્ટ' શબ્દ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરીટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય કર્યો હતો.
