Mehsana News: આજથી બે દિવસ પૂર્વે આંતરજ્ઞાતિય પ્રેમલગ્નની અદાવત રાખી મહેસાણાની એક સોસાયટીમાંથી યુવતીનું તેના જ પિયરિયા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે યુવતીના પિયર પક્ષ વિરુદ્ધ અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, ત્યારે હવે પાટીદાર સમાજ મેદાનમાં આવ્યો છે અને સામી ફરિયાદ દાખલ કરવા સાથે તટસ્થ તપાસની માંગ કરી છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS), સરદાર પટેલ ગ્રુપ (SPG), વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ખોડલધામ જેવી પાટીદાર સંસ્થાના આગેવાનો મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકમાં યુવકના પરિવારજનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.
યુવતીની માતાને પણ માર મરાયો, આજીવન રાખવાની ધમકી આપી
આ અંગે આક્ષેપ કરતાં પાટીદાર અગ્રણી સતિષ પટેલે જણાવ્યું કે, અમારા સમાજની દીકરીએ ભાગીને લગ્ન કર્યાં હતા. અમે છોકરાના પરિવારને સમજાવતા હતા, પરંતુ છોકરી માની નહી. આથી તેના ભાઈઓ બહેનને લઈને ત્યાંથી નીકળી ગયા. જો કે આ સમયે યુવતીની માતા ત્યાં રહી ગયા હતા, જેમને યુવકના પરિવારજનો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો.
આટલું જ નહીં, તેમને ધમકી આપી હતી કે, તમારી દીકરી અમને આજેને આજે જ સોંપી દેવા તમારા ઘરવાળાને કહી દો. જો એમ નહીં કરો તો અમે તમને આજીવન અહીં રાખીશું.
જે બાદ યુવકના પરિવારજનોએ પોલીસ પર દબાણ કરીને આ મામલે સામાજિક પ્રશ્ન હોવા છતાં એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરાવ્યો અને અપહરણની ફરિયાદ કરી. દીકરીની ઉંમરલાયક માતા સહિત તેના ભાઈઓને જેલમાં પુરાવ્યા. તેમને સારું ખાવાનું પણ આપવામાં નથી આવ્યું.
પાટીદાર આગેવાનોએ ચેતવણીના સુરમાં જણાવ્યું કે, જો અમારી ફરિયાદ નહીં લેવામાં આવે, તો આવનારા સમયમાં ગુજરાત લેવલે મોટું આંદોલન કરવામાં આવશે. ન્યાય પાલિકા બન્ને બાજુ સમાન હોવી જોઈએ. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ખોટી ફરિયાદ રદ્દ કરીને સામા પક્ષ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તટસ્થ થપાસ કરવી જોઈએ.
