લગ્નની નોંધણીના કાયદામાં સુધારો કરવા SPG આરપારના મૂડમાં, લાલજી પટેલની હુંકાર- 'સરકાર લોલીપોપ આપવાનું બંધ કરી નક્કર પગલાં લે'

આ પાટીદાર સમાજની જ લડાઈ નથી, અમારા અભિયાનને 400થી વધુ જ્ઞાતિઓનું સમર્થન. જો સરકાર કાયદો નહીં બદલે તો આવનારા દિવસોમાં ગાંધીનગર કૂચ કરી વિધાનસભાનો ઘેરાવ કરીશું.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 04 Jan 2026 10:10 PM (IST)Updated: Sun 04 Jan 2026 10:10 PM (IST)
mehsana-news-spg-leader-lalji-patel-challange-to-gujarat-government-for-change-marriage-registration-law-668138
HIGHLIGHTS
  • સરદાર પટેલ ગ્રુપ દ્વારા મહેસાણાના બલોલમાં વિશાળ સંમેલન મળ્યું હતુ
  • દીકરીના લગ્નની વય 18થી વધારીને 21 વર્ષ કરે, મૈત્રી કરાર પ્રથા રદ્દ કરવામાં આવે: SPG

Mehsana: છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજ સાથે સંકળાયેલા અગેવાનો તેમજ સંસ્થાઓ લગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની સતત માંગ કરી રહ્યા છે. આ મામલે તેઓ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત પણ કરી ચૂક્યા છે. જો કે હજુ સુધી સરકાર દ્વારા આ મામલે કોઈ પગલા લેવામાં નથી આવ્યા. જેના કારણે સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.

હકીકતમાં ભાગેડું લગ્નો અટકાવવા માટે લગ્નની નોંધણીના કાયદામાં સુધારા કરવાની માંગ સાથે આજે મહેસાણા જિલ્લાના બલોલ ખાતે એક વિશાળ સંમેલન યોજાયું હતુ. સરદાર પટેલ ગ્રુપ (SPG) ગ્રુપ દ્વારા આયોજિત આ સમંલેનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ તકે સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલે જણાવ્યું કે, દીકરીઓના લગ્નમાં માતા-પિતાની સહમતિ ફરજિયાત કરવી જોઈએ. તેમજ દીકરી જે વિસ્તારની હોય, ત્યાંની સ્થાનિક કોર્ટમાં જ લગ્નની નોંધણી કરાવવી જોઈએ.

આ માત્ર પાટીદાર સમાજની જ લડાઈ નથી. અમારા અભિયાનને 400થી વધુ જ્ઞાતિઓ અને 80થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. આથી સરકાર માત્ર લૉલિપોપ આપવાનું બંધ કરીને નક્કર પગલા લે. જો વહેલી તકે લગ્નની નોંધણીના કાયદામાં સુધારો નહીં કરવામાં આવે, તો ગાંધીનગર સુધીની કૂચ કરીને વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે.

SPG દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવેલી માંગણી

  • દીકરીના લગ્નની વય 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવામાં આવે
  • લગ્નની નોંધણી વખતે માતા-પિતાની સંમતિ અને તેમના આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવે
  • ખોટી રીતે લગ્ન કરનારા વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે
  • 'મૈત્રી કરાર' જેવી પ્રથાને રદ્દ કરવામાં આવે

વાલીઓ પોતાના સંતાનોના મોબાઈલ પર ધ્યાન આપે
વધુમાં લાલજી પટેલે વાલીઓને પોતાના સંતાનોના મોબાઈલ વપરાશ પર ધ્યાન રાખવા માટે અપીલ કરતાં જણાવ્યું કે, દીકરીઓના ભાગીને થતાં લગ્ન અટકાવવા આવી પાબંધી આવશ્યક છે. આગામી દિવસોમાં સરદાર પટેલ ગ્રુપ જિલ્લા અને તાલુકા મથકોએ આવા સંમેલન યોજીને લડતને વધુ ઉગ્ર બનાવશે.

છોકરો છોકરીના મા-બાપના નામે 10 લાખની ફિકસ ડિપોઝિટ કરાવે
અગાઉ પણ પાટીદાર અનામત આંદોલન સમિતિ, પાટીદાર સેના અને સર્વ સમાજ હિત રક્ષક સમિતિ દ્વારા જન ક્રાંતિ મહારેલી યોજીને લગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં પણ લગ્નની નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા, સાક્ષીઓની ઉંમર 40થી વધુ વય રાખવા ઉપરાંત જો 30 વર્ષ બાદ પ્રેમલગ્ન કરે તો છોકરો છોકરીના મા-બાપના નામે રૂ. 10 લાખની FD કરાવે તેમજ પ્રેમલગ્ન કરે તો તેને મા-બાપની મિલ્કતમાંથી બેદખલ કરવા જેવી માંગણી કરવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ ખાતરી આપી પણ કોઈ પગલા લેવાયા નહીં
ગત મહિને જ પાટીદાર સંગઠન સાથે સંકળાયેલા યુવા નેતાઓ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા બાબતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. આ બેઠક બાદ વરુણ પટેલે જણાવ્યું હતું કે, ભાગડું લગ્ન પ્રથા સળગતો પ્રશ્ન છે.

લગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરવા માટે ખાતરી આપવામાં આવી છે. જે બાદ ગત બુધવારે કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતુ.

જો કે કેબિનેટ બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ભાગેડું લગ્નની નોંધણીના મુદ્દે હજુ વિચારણા ચાલી રહી છે. આ બાબત ખૂબ મોટા વર્ગને અસર કરતી હોવાથી સરકાર તમામ પાસા ચકાસીને આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેશે.