Mehsana: થોડા દિવસ પહેલા ઊંઝામાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં નવો વળાંક આવ્યો છે. હકીકતમાં મૃતક પરિણીતાના પતિએ પોતાની પત્નીને માનસિક ત્રાસ આપનાર તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઊંઝા-પાટણ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી જાગૃતિ ચૌધરીએ ગત 25 ઓગસ્ટના રોજ પોતાના ઘરે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક જાગૃતિબેનના 2012માં આશિષ ચૌધરી સાથે લગ્ન થયા હતા. આ લગ્નજીવન થકી તેમને એક પુત્ર પણ છે. લગ્ન બાદ જાગૃતિની આંખો મહેસાણાના રામપુરાકુકસ ગામના સંજય ચૌધરી સાથે મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. સંજય જાગૃતિ પર શંકા રાખીને તેની અવરજવર પર નજર રાખતો હતો. આટલું જ નહીં, વોટ્સએપ પર મેસેજ મોકલીને પણ તે જાગૃતિને હેરાન કરતો હતો. જેના કારણે કંટાળીને પરિણીતાએ અંતિમ પગલું ભર્યું હતુ.
હાલ તો આ મામલે મૃતકના પતિની ફરિયાદના આધારે ઊંઝા પોલીસે સંયજ ચૌધરી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.