Mehsana: મહેસાણાના વિસનગરમાં પ્રેમલગ્ન કરનાર એક પરિણીતાએ પોતાના પતિ સહિત સાસરિયા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિસનગરના કમાણા રોડ પર રહેતી એક યુવતીએ 2021માં હિમાંશુ પટેલ નામના યુવક સાથે ઘરેથી ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નજીવન થકી તેને સંતાનમાં 15 માસની એક દીકરી પણ છે.
લગ્નના 3 મહિના બાદ જ પતિ અવારનવાર વ્યસન કરીને આવતો અને પત્ની સાથે મારઝૂડ કરીને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારતો હતો .આ બાબતે પીડિતાએ પોતાના સાસુ-સસરાને વાત કરતા તેઓએ પણ પુત્રનું ઉપરાણું લીધુ હતુ અને કહ્યું હતું કે, અમારે અમારા દીકરાના બીજા લગ્ન કરાવવા છે, તું અમારા ઘરેથી નીકળી જા. આ ઉપરાંત પીડિતાની નણંદ મોહિની પણ નજીકમાં રહેતી હોવાથી તે અવારનવાર ઘરે આવતી હતી અને તેના પતિની કાનભંભેરણી કરતી હતી.
થોડા સમય બાદ પીડિતાને પોતાના પતિના બીજી સ્ત્રી સાથે સબંધ હોવાની જાણ થઈ હતી. આથી તેણે આ બાબતે પોતાના સાસુ-સસરાને વાત કરતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે, મારો દીકરો તેની ઈચ્છા હશે, તેટલી સ્ત્રીઓ સાથે પ્રેમ સબંધ રાખશે. તારે છૂટાછેડા લેવા હોય તો લઈ લે.
ગત જૂન મહિનામાં પીડિતાના પતિએ ગાળો ભાંડવા સાથે તેને ઢોરમાર માર્યો હતો. આ સાથે જ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ઘરેથી નીકળી જવાનું જણાવ્યું હતુ. જે બાદ પીડિતા પોતાના માતા-પિતાના ઘરે રહેવા જતી રહી હતી.
હાલ તો પીડિત પત્નીની ફરિયાદના આધારે વિસનગર પોલીસે તેના પતિ, સાસુ-સસરા અને નણંદ વિરુદ્ધ IPCની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.