Mehsana: આજે મહેસાણામાં સમસ્ત રણાસણ પાટીદાર સમાજ દ્વારા 'બહુચર માતાજી પાટીદાર સમાજ વાડી'ના દાતાઓના સન્માન સમારંભમાં ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુ એકવાર માતા-પિતાની સેવા ના કરનારા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવાની ટકોર કરી છે.
માતા-પિતા સાથે રહેતા શરમ આવતી હોય તેવા સંતાનો સાથે કોઈ સબંધ ના રાખવો
હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, માતા-પિતા આખી જિંદગી કાળી મજૂરી કરીને પોતાના ચંપલો ઘસીને બાળકોને મોટા કરતાં હોય છે. બાળક મોટું થઈને શહેરમાં જાય અને માતાજીના આશીર્વાદથી થોડાઘણાં રુપિયા કમાઈ જાય, પછી તેને પોતાના માતા-પિતા સાથે રહેતા શરમ આવે છે. તે પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે.
આથી આવા બાળકોને ગામના કોઈપણ પ્રસંગમાં આપણે ના બોલાવવા જોઈએ. આટલું જ નહીં, આવા સંતાનો સાથે કોઈ પણ પ્રકારના સબંધો પણ ના રાખવા જોઈએ. ઘણીવાર સામાજિક કડક નિયમોના કારણે સમાજમાં મોટું પરિવર્તન આવતું હોય છે. જેના માટે આપણે સૌએ એકસંપ થઈને કામ કરવું પડશે અને નિર્ણય લેવો પડશે.
જે બાળક પોતાના માતા-પિતાનો ના થયો, તે તમારો ક્યાંથી થશે?
જે માતા-પિતાએ દિવસ-રાત કાળી મજૂરી કરીને પોતાના બાળકને મોટા કર્યા હોય અને તેજ બાળક મોટા થઈને તેમની સંભાળ ના રાખે, તો તેવા સંતાનોને લગ્ન પ્રસંગમાં આમંત્રણ આપવાની શું જરૂર છે. જે વ્યક્તિ પોતાના માતા-પિતાને ના રાખે, તો તે તમારી સાથેનો સબંધ ક્યાંથી સાચવશે? આ માટે તમામ સમાજોએ એકજૂટ થઈને આ દિશામાં નિર્ણય લેવો જોઈએ. જેથી આવા સંતાનોને પોતાને જ શરમ આવે. આનાથી મોટી ધરમનું કોઈ કામ નથી.
માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, તેવા લોકોને સ્ટેજ પર સ્થાન ના આપો
અગાઉ ગત વર્ષે અમદાવાદમાં પણ લેઉવા પાટીદાર સમાજનું મહાસંમેલન મળ્યું હતુ. જેમાં પણ હર્ષ સંઘવીએ માતા-પિતાને તરછોડનારા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવાની વાત કરી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં મળેલા મહાસંમેલનમાં સંબોધન કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જે સંતાનો માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકે, તો તેમની પાસેથી ફંડ ના લેવું જોઈએ. જે બાળકો પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય, તો તેવાને સ્ટેજ પર પણ સ્થાન ના આપવું જોઈએ. આ સાથે જ તેમણે આગામી સમયમાં વૃદ્ધાશ્રમને કેવી રીતે તાળા લાગે તે દિશામાં ધ્યાન આપવા માટે પાટીદાર સમાજને ટકોર કરી હતી.
