Mehsana News: દેશ-વિદેશ અને મોટા શહેરોમાં વસતી નવી પેઢી પોતાના મૂળ વતનની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને ભવ્ય વારસાથી પરિચિત થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે ત્રિદિવસીય 'હાલો ભેરુ ગામડે' વિન્ટર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ઉત્તર ગુજરાતના ભાન્ડુ, બાલીસણા, વાલમ, સંડેર અને મણુદ એમ પાંચ ગામોના લેઉવા પાટીદાર સમાજ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ વિશેષ કેમ્પમાં અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મહાનગરોમાંથી 600થી વધુ બાળકો અને કિશોરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ આયોજન દ્વારા નવી પેઢીને મોબાઈલ અને ટેકનોલોજીના વર્ચસ્વથી દૂર રાખીને ગ્રામીણ જીવનના વાસ્તવિક અનુભવો પૂરા પાડવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પ્રાચીન ગ્રામ્ય સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન અને કૃષિ વારસાનો પરિચય
આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને પ્રાચીન ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક આપવા માટે ભાન્ડુ ખાતે સંપૂર્ણ ગ્રામીણ પરિવેશનું આબેહૂબ સર્જન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં સહભાગી થયેલા બાળકોએ ઘોડેસવારી, ઊંટસવારી અને ટ્રેક્ટરની સફરનો આનંદ માણ્યો હતો. આધુનિક યુગમાં વિસરાતા જતાં ખેતીના પરંપરાગત ઓજારો જેવા કે હળ, ખપો, રાંપ, સુંડલો, ચાયણો, ઘોડી અને પરણી વિશે બાળકોને પ્રત્યક્ષ નિદર્શન સાથે ઊંડાણપૂર્વકની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, જૂના જમાનાના મકાનો, રસોડાના પૌરાણિક વાસણો, વલોણું, ઘંટી, કૂવો અને ગામનો ન્યાય કરતો ચોરો જેવી વ્યવસ્થાઓ દ્વારા બાળકોને વડવાઓની સાદગીપૂર્ણ રહેણીકરણી અને કૌટુંબિક ભાવનાના મૂલ્યો સમજાવવામાં આવ્યા હતા.
પરંપરાગત રમતો અને ડિજિટલ ડિટોક્સ દ્વારા નવી ઊર્જાનો સંચાર
વર્તમાન સમયમાં જ્યારે બાળકો મોબાઈલ અને ટીવીની દુનિયામાં કેદ થઈ રહ્યા છે, ત્યારે આ કેમ્પમાં તેમને ગિલોલ, લખોટી, ગોફણ, રસ્સાખેંચ, છાપા અને મોય-દંડો જેવી લુપ્ત થતી ગ્રામીણ રમતો રમાડવામાં આવી હતી. આ રમતો દ્વારા બાળકોમાં શારીરિક કૌશલ્ય અને સામૂહિક ભાવનાનો વિકાસ જોવા મળ્યો હતો.

કેમ્પના આયોજન સમિતિના સભ્ય કેતન પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આપણી વિસરાતી જતી સંસ્કૃતિને જીવંત રાખવા માટે દર વર્ષે દિવાળી વેકેશનમાં આ કેમ્પનું આયોજન થાય છે. આ વર્ષે ભાન્ડુ ગામના યજમાનપદે અંદાજે 300 યુવાનોની ટીમે ખડેપગે રહીને ગ્રામજનોના સહયોગથી બાળકોને સગા-સંબંધીઓ સાથે હળીમળીને રહેવાના અને ગ્રામીણ જીવનશૈલી અપનાવવાના ગુણો શીખવ્યા છે. કેમ્પના અંતિમ દિવસે બાળકો પોતાની માટી અને સંસ્કારો સાથે સદાય જોડાયેલા રહે તેવા પ્રેરણાદાયી વક્તવ્ય સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

આંબાવાડીમાં વનભોજન અને રાત્રિ રોકાણના યાદગાર અનુભવો
કેમ્પમાં ભાગ લેનાર મણુદ ગામની દીકરી જ્ઞાની વિપુલભાઈ પટેલે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, શહેરી વ્યસ્તતા અને સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર નીકળીને અહીં વિતાવેલા ત્રણ દિવસ જીવનનો યાદગાર અનુભવ બની રહ્યા છે. પ્રથમ દિવસે દેશી ભોજન અને પરંપરાગત રમતોની મજા બાદ રાત્રિ સમયે ગ્રામજનોના ઘરે રોકાણ દરમિયાન જે આત્મીયતા જોવા મળી તેનાથી ઘરની ખોટ વર્તાઈ નહોતી. બીજા દિવસે આંબાવાડીમાં પતરાળામાં વનભોજન અને સાંજે યોજાયેલા મેળાએ ગ્રામીણ સંસ્કૃતિની ખરી ઓળખ કરાવી હતી. સમાજની આ ઉત્તમ વ્યવસ્થા બદલ હું તમામ ગ્રામજનો, સ્વયંસેવકો અને આયોજકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.
આ કાર્યક્રમ થકી નવી પેઢીને પ્રકૃતિ અને પરંપરાગત વ્યવસાયો સાથે જોડીને સમાજે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
