Mehsana: ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મંદિરના ધજા મહોત્સવનો ભવ્ય આરંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજાનું પૂજન કર્યું

ઊંઝા ઉમિયા માતા મંદિરને પ્લાસ્ટિક મુક્ત બનાવાયું, મંદિરમાં કાપડની થેલી માટે મશીન મૂકવામાં આવ્યું

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 11 Sep 2024 05:14 PM (IST)Updated: Wed 11 Sep 2024 05:14 PM (IST)
mehsana-news-dhaja-mahotsav-held-at-umiya-mataji-temple-unjha-by-cm-bhupendra-patel-395093

Mehsana: દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરૂપ કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તિર્થસ્થાન ઊંઝા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ઉદાર હાથે દાનનો ધોધ વણવનાર દાનેશ્વરી દાતાશ્રીઓનું સન્માન કરાર્યું હતું. આ ઉપરાંત મા કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પાદુકા પૂજન કર્યાં બાદ કલોથ બેગ વેડીંગ મશીનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ 1868 બહેનો દ્વારા ઝવેરા યાત્રા તથા દાનેશ્વરી પરિવારને 25 જેટલી બગીઓમાં બીરાજમાન કરાવી નગરયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ સુધી ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મા ઉમિયા માતાજીના દિવ્ય-ચમકારી અને અલૌકિક મંદિરના શિખર પર 1868 જેટલી ઉમા પ્રાગટ્ય ધજા તથા 11 હજાર 111 જેટલી ધર્મ ધજા ચડાવવમાં આવશે.

અખંડ સ્વરૂપ કુળદેવી ઉમિયા માતાજીના 1868માં પ્રાગટ્ય પર્વ નિમિત્તે આયોજીત ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવમાં વિશ્વના 134 જેટલા દેશમાં વસતા કડવા પાટીદાર શ્રદ્ધાળું પરિવારો, ભારતના દરેક રાજ્યમાં વસતા કડવા પાટીદાર પરિવારો ઉપરાંત દરેક જ્ઞાતિના શ્રધ્ધાળુ લોકો દ્વારા માઁ ઉમિયા માતાજીના ધજા મહોત્સવમાં ધજાઓની નોંધણી કરાવી હતી. માઁ કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને મહાતિર્થ સ્થાન ઊંઝા ઉમિયા માતાજી મંદિરને રંગબેરંગી ફૂલો અને નયનરમ્ય રોશનીથી શણગારવામાં આવ્યું હતું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિપેડ પર ઉમળકાભરે સ્વાગત કરાયું હતું. લોખંડી સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર પર પધાર્યાં હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વૈદિક મંત્રોચ્ચાર સાથે મા ઉમિયા માતાજીની ચરણ પાદુકાનું પૂજન કરી આરતી ઉતારી હતી અને મા ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. ઊંઝા મંદિરને પ્લાસ્ટીક મુક્ત કરવાના અભિયાનના દ્રઢ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કલોથ બેગ વેડીંગ મશીનનું લોકાર્પણ કર્યું હતું.

ઊંઝાના ઉમાબાગ ખાતે ભવ્ય મંડપ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સંસ્થાન અધ્યક્ષ બાબુભાઈ જે. પટેલ (બીજેપી), મંત્રી દિલીપભાઈ પટેલ (નેતાજી) તથા ધજા મહોત્સવના ચેરમેન બાબુભાઈ કે. પટેલ (જય સોમનાથ પરિવાર – ખોરજવાળા), કન્વીનર ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ), અને ઉપપ્રમુખ રમેશભાઈ પી. પટેલ (દુધવાળા) સહિત તમામ કારોબારીઓ, ટ્રસ્ટીશ્રીઓ, કમિટી મેમ્બર્સ, અને દાનેશ્વરી દાતાશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીઓ પરિવારજનો સાથે પધાર્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદ હરીભાઈ પટેલ, ધારાસભ્ય કીરીટભાઈ પટેલ સહિત રાજકીય મહાઅનુભાવોનું સ્વાગત સન્માન કરાર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધજા મહોત્સવને સફળ બનાવનાર અને કરોડો રૂપિયાના દાનનો ધોધ વહાવનાર દાનેશ્વરી દાતાશ્રીઓનું ખેસ, શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. જે બાદ ભુપેન્દ્ર પટેલે ધજાનું વિવિધ રીતે પૂજન કરી ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવનો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. જે બાદ 1868 જેટલા ઝવેરા લઈ બહેનોએ નગરયાત્રાનો પ્રારંભ ક્યો હતો તે સાથે 25 જેટલી બગીઓમાં બીરાજમાન થઈ દાનેશ્વરી દાતા પરિવારજનો શોભાયાત્રામાં જોડાયા હતા.

મા કુળદેવી ઉમિયા માતાજીના કર્ણપ્રિય ભક્તિદગીતો ડી. જે. પર વાગતા હતા. બહેનો ધજાઓ હાથમાં લઈ નાચતા નાચતા મંદિર પહોંચી હતી.સમગ્ર ઉંઝા માં આનંદ, મંગલ અને ઉત્સાહ છવાયો હતો. વિજય મુહુર્તમાં 12 વાગેને 39 મિનિટે મંદિરના શિખર પર ધજાઓ ચડાવવામાં આવી હતી.

મા કુળદેવી ઉમિયા માતાજીના દિવ્ય મંદિર પર બાબુભાઈ પટેલ (જય સોમનાથ પરિવાર, ખોરજ) ની વિજય ધ્વજ, જગજીવનભાઈ ચતુરદાસ પટેલ અને નિરવભાઈ જગજીવનભાઈ પટેલની મુખ્ય શિખર ધજા (ઉમા ધ્વજ) મંદિરની ચાર ધજા ઈન્દ્રધ્વજ (પૂર્વ દિશા) વરૂણ ધ્વજ (પશ્ચિમ દિશા), કુબેર ધ્વજ (ઉત્તર દિશા) અને ધર્મરાજ ધ્વજ (દક્ષિણ દિશા) ચડાવવામાં આવી હતી. તે સાથે રંગ મંડળ ધજા (ચાર વેદની ધજા) માં રૂગ્વેદ ધ્વજ (પૂર્વ દિશા), સામવેદ ધ્વજ (પશ્ચિમ દિશા) અથર્વવેદ ધ્વજ (ઉત્તર દિશા) અને યજુવેદ ધ્વજ (દક્ષિણ દિશા) ચડાવવામાં આવી હતી. પુર્ણાહુતિ ધ્વજ એટલે કે ઉમા ઉમેશ્વર ધ્વજ પણ ચડાવવામાં આવશે.