Ambaji Bhadarvi Poonam Maha Mela 2024, અંબાજી ભાદરવી પૂનમ મેળો: ઉત્તર ગુજરાતમાં આવેલા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલે 12 સપ્ટેમ્બરથી આગામી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પગપાળા સંઘો પણ યાત્રાધામ અંબાજી તરફ જવા રવાના થઈ ગયા છે. એવામાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પદયાત્રી સંઘ અને સેવા કેમ્પ માટે અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે.
પગપાળા સંઘ માટે જરૂરી સૂચના
● સંઘમા આવનાર પદયાત્રીઓની તમામ સંપૂર્ણ માહિતી જેમ કે નામ, સરનામું, સંપર્ક નંબર વગેરે સંઘના મુખ્ય વ્યક્તિ પાસે રાખવી. સંઘ સંચાલકો / સભ્યો પોતાની જરૂરીયાત મુજબના ઓળખપત્ર સાથે રાખે તેવું ઇચ્છનીય છે. પદયાત્રાના માર્ગમાં જરૂરીયાત મુજબની તમામ વ્યવસ્થા આપના સંઘ દ્વારા કરવાની રહેશે.
● ઓનલાઈન રજૂ થયેલ ફક્ત સંઘના રસોડાનો સીધા-સામાન લઇ જતા ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ વાહનોને જ અંબાજી ગામમાં પ્રવેશ આપવામાં આવશે. વાહન પ્રતિબંધિત વિસ્તારમાં વાહન પ્રવેશ મળશે નહિ.
● પદયાત્રા દરમિયાન સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની રહેશે. પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરી શકાશે નહિ. પદયાત્રીઓ રસ્તાની ડાબી બાજુ (ડાબી લેન પર) ચાલે તેની ખાસ કાળજી રાખવી.
● તમામ સંઘોએ પોતાની પદયાત્રા દરમ્યાન સ્વચ્છતા સમિતિ બનાવે તે ઇચ્છનીય છે. તથા સંઘોએ પોતાની સાથે લાવેલ વાહનોની પાછળ કચરાની બેગ કે ડસ્ટબીન રાખી તમામ કચરો તેમાં નાંખવા
સેવા કેમ્પ માટે જરૂરી સૂચના
● સેવા કેમ્પ તમોએ ફોર્મમાં જણાવેલ તારીખે અને સ્થળ ઉપર અંબાજી તરફ જતા માર્ગની ડાબી બાજુએ જ કરવાનો રહેશે.
● સંઘ સંચાલકો / સભ્યો પોતાની જરૂરીયાત મુજબના ઓળખપત્ર સાથે રાખે તેવું ઇચ્છનીય છે. સેવા કેમ્પ ઉપર કામ કરનાર વ્યક્તિઓની સંપૂર્ણ માહિતી જેમ કે નામ, સરનામું, ફોન સેવા કેમ્પના મુખ્ય વ્યક્તિ પાસે રાખવી. પદયાત્રાના માર્ગમાં જરૂરીયાત મુજબની તમામ વ્યવસ્થા આપના સંઘ દ્વારા કરવાની રહેશે.
● સેવા કેમ્પ ઉપર મેળા દરમિયાન સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની રહેશે. તેમજ મેળો પૂર્ણ થયે યોગ્ય સફાઈ કરવાની રહેશે. નોંધણી સમયે સફાઈ આયોજનની વિગતો અવશ્ય દર્શાવવાની રહશે. પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરી શકાશે નહિ.
● ઓનલાઈન રજુ થયેલ ફક્ત સંઘના રસોડાનો સીધા- સામાન લઇ જતા ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ વાહનોને જ અંબાજી ગામમાં પ્રવેશ આપવામાં આવશે. સેવા કેમ્પ ઉપર જરૂરીયાત મુજબની સિક્યોરીટી તેમજ ટ્રાફિક નિયમન કરાવવાનું રહેશે. વાહન પ્રતિબંધિત વિસ્તારમાં વાહન પ્રવેશ મળશે નહિ.
● સેવા કેમ્પ માર્ગ અને મકાન વિભાગના નિયમ અને પોલીસ વ્યવસ્થાનાં ભાગરુપે રોડની કિનારીથી 30 મીટર અંદર ઉભા કરવાના રહેશે. પદયાત્રા દરમિયાન સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની રહેશે. પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરી શકાશે નહિ. સેવા કેમ્પના સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરેલ હોય તો સ્ટેજ રોડ તરફ રાખી શકાશે નહિ. અન્યથા પોલીસ વ્યવસ્થાના ભાગરૂપે જરૂરી બદલાવ કરાવવામાં આવશે.
● સેવા કેમ્પ ખાતે યાત્રિકોના પગરખા મુકવા માટેના સ્ટેન્ડ ઉભા કરવાના રહશે. સેવા કેમ્પના રોડ ઉપર કોઈપણ પ્રકારના વધારાના બમ્પ કે અવરોધ બનાવવા નહી. સેવા કેમ્પ અને તેની લગતી અન્ય બાબતો માટે પદયાત્રીઓને કે રસ્તા પર જતા વાહનોને કોઈપણ અડચણ ન થાય તે મુજબ કરવાનો રહેશે. પાણી સુવિધા, સફાઈ વગેરે સગવડો સેવા કેમ્પ દ્વારા જાતે કરવાની રહેશે. સેવા કેમ્પની તમામ જરૂરિયાતો સ્વ- ખર્ચે કરવાની રહેશે. સેવા કેમ્પ ઉપર જરૂરીયાત મુજબના CCTV કેમેરા લગાડવા ઇચ્છનીય છે. બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા આપના સ્થળની ચકાસણી કરવામાં આવશે.
