Mehsana News: મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના કુકરવાડા ગામની 24 વર્ષીય યુવતી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ છે. વિસનગર ખાતે કોલેજમાં જવાનું કહીને ઘરેથી નીકળેલી યુવતીનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતા પરિવારજનોએ કોલેજ સહિત સગા-સંબંધીઓમાં તપાસ કરી નહીં. યુવતીના પિતાએ વસાઈ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે યુવતીની શોધખોળ શરૂ કરી છે.
વિસનગર કોલેજમાં જવાનું કહીને નીકળી
મળતી માહિતી મુજબ, વિજાપુર તાલુકાના કુકરવાડા ગામની શાંતમ રેસિડેન્સી, ઘર નંબર C-44 ખાતે દિનેશભાઈ દલપતરામ હરીલાલ સુથાર પરિવાર સાથે રહે છે. તેઓ સુથારીકામનો વ્યવસાય કરે છે. પરિવારમાં પત્ની વર્ષાબેન અને 3 સંતાનો છે. દિનેશભાઈની સૌથી મોટી દીકરી હાર્મીની ઉંમર 24 વર્ષ છે. તેણે M.Sc. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
બપોર બાદ મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો
28 નવેમ્બર 2026 ના રોજ સવારે આશરે 10 વાગ્યે હાર્મી વિસનગરની નૂતન કોલેજમાંથી MSc સર્ટિફિકેટ લેવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. બપોરે આશરે 1 વાગ્યાના સુમારે પરિવારજનોએ હાર્મીના મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. આથી પરિવારજનો ચિંતિત બન્યા હતા.
ત્યારબાદ પરિવારજનો વિસનગરની નૂતન કોલેજ ખાતે રૂબરૂ તપાસ કરવા પહોંચ્યા હતા. ત્યાં તપાસ કરતાં હાર્મી કોલેજમાં આવી જ ન હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ સગા-સંબંધીઓનો પણ ટેલિફોનિક સંપર્ક કરીને તેની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ યુવતી અંગે કોઈ માહિતી મળી નહોતી.
પિતાએ વસાઈ પોલીસમાં નોંધાવી ફરિયાદ
દીકરીની કોઈ ભાળ ન મળતા આખરે પિતા દિનેશભાઈએ વસાઈ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, હાર્મીની ઉંમર આશરે 24 વર્ષ છે. તેનો શરીરનો બાંધો મધ્યમ, રંગ ઘઉંવર્ણો અને ઊંચાઈ આશરે 5 ફૂટ છે. તે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. તે ઘરેથી જે કપડાં પહેરીને નીકળી હતી તે જ કપડામાં હતી.
યુવતીની શોધખોળ માટે પોલીસ તપાસ શરૂ
યુવતી પોતાની મરજીથી ક્યાંક ચાલી ગઈ છે કે પછી અન્ય કારણસર ગુમ થઈ છે, તે સહિતની વિવિધ શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ કરવા પરિવારે પોલીસને વિનંતી કરી છે. વસાઈ પોલીસે ફરિયાદના આધારે યુવતીની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે. હાલ પરિવારજનો પણ યુવતીની સુરક્ષિત પરત આવવાની રાહ જોઈ રહ્યા છે.
