Mehsana News: મહેસાણા છઠીયારડા ગામે સાસરીમાં રહેતી કશિશ પટેલનું 6 અજાણ્યા શખ્સો અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન યુવતીની સાસુએ વચ્ચે પડવાનો પ્રયાસ કરતાં તેમને ધારિયું બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે 6 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાતા મહેસાણા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે. યુવતીએ 6 મહિના પહેલા જ નીલ પ્રજાપતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
6 મહિના પહેલા નીલ પ્રજાપતિ સાથે કર્યા હતા પ્રેમલગ્ન
મળતી માહિતી મુજબ, મહેસાણા તાલુકાના છઠીયારડા ગામમાં રહેતા નીલ પ્રજાપતિએ 9 જૂન 2026 ના રોજ ઊંઝાની સોમ્ય ક્રિસ્ટલ સોસાયટીમાં રહેતા કશિશબેન સંજયભાઈ પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. 19 ઓક્ટોબરના રોજ યુગલ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયું હતું.
આ દરમિયાન યુવતીના પરિવારજનો પણ ત્યાં પહોંચ્યા અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતી પતિ સાથે જ રહેવા માંગતી હોવાથી તેણે માતા સાથે જવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ પાટીદાર યુવતી પતિ સાથે છઠીયારડા ગામે સાસરીમાં રહેવા આવી હતી.
ઘરમાં ઘૂસી યુવતીને બળજબરીપૂર્વક નીચે ખેંચી લાવ્યા
ફરિયાદ મુજબ, 27 નવેમ્બર 2026 ના રોજ બપોરે આશરે 2:30 વાગ્યે કશિશ સાસરીમાં પોતાના ઘરે હતી. તે દરમિયાન આશરે 35 વર્ષની ઉંમરનો એક શખ્સ ચેક્સ શર્ટ અને કાળું પેન્ટ પહેરીને તથા મોઢા પર સફેદ રૂમાલ બાંધીને અચાનક ઘરમાં ઘૂસી ગયો હતો.
તે સીડી ચઢીને ઉપરના માળે જવા લાગ્યો હતો. આથી કશિશની સાસુ સવિતાબેને તેને અટકાવીને પૂછપરછ કરી હતી. ત્યારે શખ્સે પોતે કશિશને લેવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે ઉપરના માળે ગયો હતો અને કશિશને ઘસડીને નીચે લાવ્યો હતો.
સાસુને ધારિયું બતાવી જાનથી મારી નાખવાની ધમકી
આ દરમિયાન સવિતાબેને વચ્ચે પડીને કશિશને છોડાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ પોતાના હાથમાં રહેલું ધારિયું બતાવીને વચ્ચે આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સવિતાબેનને ધક્કો મારી શખ્સ કશિશને બળજબરીપૂર્વક ઘરની બહાર ઊભેલી સફેદ રંગની મારુતિ અર્ટિગા કારમાં બેસાડી પાછળની સીટમાં પોતે બેસી ગયો હતો.
નંબર પ્લેટ પર સમાચારપત્ર લગાવી 3 કારમાં ફરાર
કશિશે બૂમાબૂમ કરતા ઘરની આગળ ગટર પાસે અને ખડકીના નાકે મોઢા પર રૂમાલ બાંધીને ઊભેલા અન્ય 2 શખ્સોએ ગાડીઓ જવા દેવાનું કહ્યું હતું. ત્યારબાદ તેઓ પણ ચાલુ ઊભેલી ગાડીઓમાં બેસી ગયા હતા. ઘટનાસ્થળે સફેદ રંગની અર્ટિગા, અન્ય એક સફેદ કાર અને થોડે દૂર નેવી બ્લૂ રંગની કાર ઊભી હતી.
ત્રણેય કારની નંબર પ્લેટ પર સમાચારપત્ર લગાવવામાં આવ્યા હોવાથી નંબર દેખાતા નહોતા. કારના કાળા કાચને કારણે અંદર બેઠેલા શખ્સો પણ દેખાતા નહોતા. સવિતાબેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, ત્રણેય કાર ગામની હાઈસ્કૂલ તરફથી મહેસાણા તરફ ફરાર થઈ ગઈ હતી.
પતિને જાણ કરી પરિવારજનોએ શોધખોળ શરૂ કરી
ઘટના સમયે યુવતીનો પતિ નીલ ખેતરમાં હતો. સવિતાબેને જાણ કરતાં તે તાત્કાલિક પરત આવ્યો અને પરિવારજનોએ કશિશની શોધખોળ શરૂ કરી હતી. જોકે, યુવતીનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આખરે સવિતાબેને અજાણ્યા 6 શખ્સો વિરુદ્ધ અપહરણના આક્ષેપ કરી કાયદેસરની કાર્યવાહી કરવા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે કરી યુવતીના ઘરે તપાસ, તેની માતા ન મળી
તપાસ કરી રહેલા PSI જે.કે. મૂળિયાએ જણાવ્યું કે, પોલીસ યુવતીના ઘરે તપાસ માટે ગઈ, પરંતુ ત્યાં કોઈ હાજર નહોતું. યુવતીના પિતા નથી અને તે અગાઉ માતા સાથે રહેતી હતી. જોકે, તપાસ દરમિયાન તેની માતા પણ ઘરે મળી નહોતી. ફરિયાદી અપહરણ કરનાર શખ્સોને ઓળખતા નથી અને ફરિયાદમાં કોઈના નામ પણ આપવામાં આવ્યા નથી.
8 દિવસમાં યુવતીના અપહરણનો બીજો બનાવ
મહેસાણામાં પ્રેમલગ્ન કરનાર યુવતીના અપહરણની આ 8 દિવસમાં બીજી ઘટના છે. આ અગાઉ પણ મહેસાણા-રાધનપુર ડી માર્ટ સર્કલ પાસેથી પ્રેમલગ્ન કરનાર એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. હવે છઠીયારડા ગામમાં બનેલી બીજી ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે.
