Mehsana: ખેરાલુમાં પતિએ ગળું દબાવીને પત્નીને મોતને ઘાટ ઉતારી, હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ

મહેસાણાના ખેરાલુ તાલુકાના રસુલપુર ગામમાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી. હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ભાંડો ફૂટ્યો અને પતિની ધરપકડ થઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 04 Oct 2026 10:33 PM (IST)Updated: Sun, 04 Oct 2026 10:33 PM (IST)
mehsana-crime-news-husband-strangles-wife-in-kheralu-fake-accident-plot-exposed-by-police
HIGHLIGHTS
  • 5 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા બાદ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા

Mehsana Crime News: મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના રસુલપુર ગામની સીમમાં પતિએ પોતાની જ પત્નીને ગળું ઘોંટીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હત્યારા પતિએ પત્નીના મોતને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટતા પોલીસે પતિની અટકાયત કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મનિષા રાવત નામની યુવતીએ આજથી પાંચ વર્ષ પૂર્વે કપિલ સેનમા નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. જો કે લગ્ન બાદ દંપતી વચ્ચે નાની-નાની વાતોમાં ખટરાગ થતો હતો.

ગત 1 ઓક્ટોબરના રોજ કપિલ સેનમા પત્ની મનિષાને બાઈક પર બેસાડીને રસૂલપુરા ગામની સીમમાં આવેલા રેલવેના ગરનાળા પાસે લઈ ગયો હતો. જ્યાં બન્ને વચ્ચે ફરીથી કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. જેથી આવેશમાં આવેલા પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી નાંખી હતી. જે બાદ શાતિર પતિએ પત્નીની હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે મૃતકના શરીર પર ઈજાના નિશાન જોતા પોલીસને શંકા ઉપજી હતી, જેથી તેમને પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા મનિષાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતુ.

જેથી પોલીસે પતિ કપિલની કડકાઈથી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પત્નીની હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. આ સમગ્ર મામલે મૃતકના પિતાની ફરિયાદના આધારે ખેરાલુ પોલીસે હત્યારા જમાઈની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.