મહીસાગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગઃ લુણાવાડાનું સુવા ગામ બેટમાં ફેરવાયું, ટ્રેક્ટરની મદદથી 350થી વધુ લોકોનું સફળ રેસ્ક્યુ

મહીસાગરમાં ભારે વરસાદને કારણે લુણાવાડાનું સુવા ગામ પાણીમાં ગરકાવ થયું છે, જ્યાં કોતર ઓવરફ્લો થતાં રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે ટ્રેક્ટરની મદદથી 350થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે અને રાહત કાર્ય ચાલુ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 11 Aug 2026 07:38 PM (IST)Updated: Tue, 11 Aug 2026 07:38 PM (IST)
mahisagar-rain-update-suva-village-in-lunawada-submerged-over-350-rescued-using-tractors

Mahisagar Rain Update: આજે વહેલી સવારથી મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને મહીસાગરમાં મેઘરાજાએ સાર્વત્રિક તોફાની બેટિંગ કરતાં જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે કોઠંબા વિસ્તારમાં સૌથી વધુ 133 મિલીમીટર એટલે કે સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ બેટમાં ફેરવાયા છે.

લુણાવાડા તાલુકાના સુવા ગામમાં કોતર ઓવરફ્લો થતાં પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા હતા. નાયક ફળિયામાં પાણી ફરી વળતાં આશરે આઠ મકાનો પાણીથી ઘેરાઈ ગયા હતા. આ પંથકમાં આયુર્વેદિક દવાની સારવાર માટે દૂર-દૂરથી તેમજ વડોદરા અને અન્ય જિલ્લાઓમાંથી આવેલા અંદાજે 100 જેટલા લોકો ગામના માર્ગો બંધ થઈ જવાથી ફસાયા હતા.

જોકે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ટ્રેક્ટર અને અન્ય સાધનોની મદદથી ફળિયાના 28 જેટલા સ્થાનિકોને તેમના મૂલ્યવાન પશુઓ સાથે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ અન્ય ફસાયેલા 300થી વધુ લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ફસાયેલા તમામ લોકો માટે સરપંચ અને સ્થાનિક તંત્ર દ્વારા રહેવા તેમજ જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારે વરસાદના પગલે જિલ્લાના 7 જેટલા મહત્વના રસ્તાઓ બંધ થઈ જવાથી અનેક ગામોનો સંપર્ક ખોરવાયો છે અને વાહનવ્યવહાર ઠપ થયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સગર, પોલીસ અધિક્ષક સફીન હસન અને જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થિતિનું સતત નિરીક્ષણ કર્યું હતું. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, અને તંત્ર દ્વારા રાહત તથા બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

આજે 15 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી પંચમહાલના શહેરામાં સૌથી વધુ 136 મિ.મી (5.3 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય મહીસાગરના લુણાવાડામાં 69 મિ.મી (2.7 ઈંચ), બાલાસિનોરમાં 64 મિ.મી (2.5 ઈંચ), ગાંધીનગરના દહેગામમાં 53 મિ.મી (2.09 ઈંચ), વલસાડના ઉમરગામમાં 52 મિ.મી (2.05 ઈંચ), મહીસાગરના ગોધરમાં 44 મિ.મી (1.7 ઈંચ), ખેડાના કપડવંજમાં 37 મિ.મી (1.4 ઈંચ), દાહોદના સંજેલીમાં 35 મિ.મી (1.3 ઈંચ) વરસાદ પડ્યો છે. આમ આજે આખા દિવસ દરમિયાન 15 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 6 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.