Surat APK File Fraud: સુરત પોલીસની ટીમે PNB One નામે બનાવેલી બોગસ APK ફાઈલ ફોરવર્ડ કરીને લોકોના મોબાઈલ હેક કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસની ટીમે પટનાની હોટલમાં મોડી રાતે દરોડો પાડીને નિંદ્રાધીન ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમનું જામતારા ગેંગ સાથે કનેક્શન સામે આવ્યું છે.
સુરતના શખ્સના મોબાઈલનું એક્સેસ મેળવી 5 લાખ સેરવી લીધા હતા
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત મે મહિનામાં સુરતના એક શખ્સના મોબાઈલમાં પંજાબ નેશનલ બેંકના નામે એક બોગસ PNB One.APK ફાઈલ આવી હતી. વોટ્સએપ પર આવેલી ફાઈલ ડાઉનલોડ કરતાં શખ્સનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને તેના ખાતામાં 5 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ મામલે સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી.
આ ગેંગની તપાસ કરી રહેલી સુરત સાયબર પોલીસની ટીમ આરોપીઓનો પીછો કરતા-કરતા જામતારાથી પટના પહોંચી હતી. આ ગુનામાં સંડોવાયેલા ચારેય આરોપીઓ પટનાની એક હોટલમાં રોકાયા હોવાની બાતમી મળતા પોલીસની ટીમે વેશપલટો કરીને હોટલમાં દરોડો પાડ્યો હતો અને તમામને ઊંઘતા જ ઝડપી પાડ્યા હતા.
31 હજારથી વધુ મોબાઈલ હેક કરીને રૂ. 125 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ પાસેથી બેંક, સરકારી યોજના, RTO ચલણ જેવા નામે બનાવેલી અલગ-અલગ 336 જેટલી APK ફાઈલો મળી આવી હતી.
આવી વાયરસયુક્ત APK ફાઈલો અલગ-અલગ વોટ્સઅપ નંબરો પર મોકલવામાં આવતી હતી. જે યુઝર્સ APK ફાઈલ ઓપન કરે, તે સાથે જ તેના મોબાઈલનું એક્સેસ આરોપીઓના હાથમાં આવી જતુ હતું. જે બાદ તેઓ મોબાઈલ યુઝર્સને બેંક ડિટેઈલ્સ મેળવીને પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા.
અત્યાર સુધી આ ગેંગે આવી APK ફાઈલો મોકલીને દેશભરના 31,174 જેટલા મોબાઈલ હેક કરીને 125 કરોડથી વધુ રુપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું છે.
આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ રાજનકુમાર (APK ફાઈલ બનાવનાર), જહરુલ અન્સારી (APK ફાઈલનું ખરીદ-વેચાણ કરનાર), આદિત્યરાજ ઉર્ફે અમન (APK ફાઈલમાં એડિટિંગ કરનાર) તેમજ સમીર ઉર્ફે શક્તિમાન (યુઝર અને એડમિન એપના સોર્સ કોડ તૈયાર કરનાર) તરીકે થઈ છે.
બે એપ્લિકેશનથી આખો ખેલ, મ્યુલ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થતા
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, જામતારા ગેંગની માંગ પ્રમાણે તેઓ બે એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવતા હતા. જે પૈકી એક એપથી મોબાઈલ હેક કરતા અને બીજી એપથી ગેંગના સભ્યો યુઝર્સના મોબાઈલનો એક્સેસ મેળવતા હતા.
સૌ પ્રથમ વોટ્સએપ કે ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ મારફતે બોગસ APK ફાઈલ મોકલવામાં આવતી. જેવો યુઝર્સ ફાઈલ પર ક્લિક કરે, તે સાથે જ એપ્લિકેશન ઈન્સ્ટોલ થઈ જતી હતી. જે બાદ ગેંગના સભ્યો યુઝર્સના મોબાઈલમાંથી કોન્ટેક્ટ સહિતની બેંક ડિટેઈલ મેળવી લેતા. જેમાં બેંક ખાતામાંથી મ્યુલ એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી લેતા હતા.
