Rajkot Suicide: રાજકોટ શહેરમાં આપઘાતના બે બનાવો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં માધાપર ચોકડી નજીક પ્રૌઢે વિષ પાન કરી જીવન ટૂંકાવ્યું છે. જ્યારે આજી ડેમ નજીક કામ ધંધો ના મળતા પ્લમ્બરે ફાંસો ખાઈ લીધો છે.
ફૂડ ડિલિવરી બૉય ઘરેથી કામ પર જવાનું કહીને નીકળ્યા બાદ ઝેર પીધુ
શહેરમાં બંસીપાર્ક વિસ્તારમાં રહેતા ફૂડ ડિલેવરી બોયે ઘરેથી કામ પર જવાનુ કહી નીકળ્યા બાદ માધાપર ચોકડી પાસે પહોંચી કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. પ્રૌઢેના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
આ પણ વાંચો
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, બંસીપાર્ક વિસ્તારમાં રહેતા ચેતનભાઇ વલ્લભભાઇ રાવરાણી નામના 44 વર્ષના પ્રૌઢ ગઇકાલે રાત્રીના સમયે માધાપર ચોકડી નજીક હતા. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સામે ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ચેતનભાઇ રાવરાણી ત્રણ બહેનોના એકના એક ભાઇ હતા અને તેમને સંતાનમાં બે પુત્રો છે. ચેતનભાઇ ફૂડનો ધંધો કરતા હતા. બપોરના સમયે ઘરેથી કામ પર જવાનુ કહી નીકળ્યા બાદ કોઇ અગમ્ય કારણસર પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કામ ધંધો નહીં મળતા પ્લમ્બરે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
આજીડેમ ચોકડી પાસે આવેલ ઓમ તીરૂમાલા પાર્કમાં રહેતા અને પ્લમ્બરનું કામ કરતા યુવાને કામ ધંધો નહીં ચાલતા આર્થિક સંકડામણથી કંટાળી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે આવેલ ઓમ તીરૂમાલા પાર્કમાં રહેતા જયદીપભાઇ ભગવાનભાઇ ચૌધરી નામનો 26 વર્ષનો યુવાન બપોરના અઢી વાગ્યાના અરસામા પોતાના ઘરે હતો, ત્યારે લાકડાની આડીમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો.
યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
