પ્રશાંત ગજ્જર, Vadodara: સોશિયલ મીડિયા પર ઊંચા વળતરની લાલચ આપીને નાગરિકોને ફસાવવાના સાયબર ઠગાઈના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં જ વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા અને સાવલીની પ્રખ્યાત દીપક નાઈટ્રેટ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હેમેન્દ્ર વસંત ગાનુ સાયબર ઠગોની જાળમાં ફસાયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રેડિંગના નામે તેમની સાથે રૂા. 1,09,62,894ની મસમોટી રકમની છેતરપિંડી આચરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત ઓગસ્ટ 2025 દરમિયાન ફરિયાદીએ ફેસબુક પર 'TRAD GRIP' નામની કંપનીની એક જાહેરાત જોઈ હતી. જેમાં ઓનલાઈન રોકાણ દ્વારા આકર્ષક અને સારું વળતર મેળવવાની ખાતરી આપવામાં આવી હતી. આ જાહેરાતની લિંક ખોલ્યા બાદ એક આંતરરાષ્ટ્રીય નંબર પરથી યુવતીનો ફોન આવ્યો હતો અને કંપની સોનું, ચાંદી, કોમોડિટી, શેર અને કરન્સીમાં ટ્રેડિંગ કરતી હોવાની માહિતી આપી વિશ્વાસમાં લીધા હતા.
જે બાદ તા. 29 ઓગસ્ટ 2025ના રોજ ફરિયાદીએ શરૂઆતમાં માત્ર રૂ. 19 હજારનું રોકાણ કર્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન ગણેશ, જુનેદ અને સુરેશ નામના શખ્સોએ અલગ-અલગ મોબાઈલ નંબરોથી સંપર્ક કરી ટ્રેડિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમને 'TradGrip Account Manager' નામની ટેલિગ્રામ ચેનલ સાથે જોડવામાં આવ્યા અને વેબસાઇટ પર એકાઉન્ટ બનાવી આપવામાં આવ્યું હતું. ઠગોએ શરૂઆતમાં નાની રકમનો નફો બતાવી તા. 3 સપ્ટેમ્બર 2025ના રોજ રૂ. 1,232નું વળતર પણ ચૂકવ્યું હતું. આ નાની શરૂઆતે ફરિયાદીનો વિશ્વાસ જીતી લીધો હતો.
વિશ્વાસ બેસી ગયા બાદ આરોપીઓના કહેવાથી મેનેજરે શેર, ગોલ્ડ, સિલ્વર, ઓઈલ અને કરન્સીમાં મોટા પાયે રોકાણ કરવાનું શરૂ કર્યું. મોટી રકમ જમા કરાવવા માટે આરોપીઓ દ્વારા જુદા-જુદા બેંક ખાતાઓની વિગતો મોકલવામાં આવતી હતી. વેબસાઈટ પર નફો દેખાતો હોવા છતાં જ્યારે ફરિયાદીએ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમના ખાતા બ્લોક કરી દેવામાં આવ્યા હતા અને વધુ પૈસા રોકવાની માંગણી કરવામાં આવી હતી.
આ પ્રકારે ટુકડે-ટુકડે કુલ રૂ. 1,09,62,894 જમા કરાવવામાં આવ્યા હતા, જેની સામે માત્ર રૂ. 2,27,197 નું જ વળતર આપવામાં આવ્યું હતું. બાકીની રૂ. 1,07,35,697 ની માતબર રકમ પરત ન મળતાં તેમને પોતાની સાથે સાયબર ફ્રોડ થયો હોવાની જાણ થઈ હતી.
આ સમગ્ર મામલે ભોગ બનનારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. સાયબર પદાધિકારીઓ દ્વારા સોશિયલ મીડિયા પર અજાણી લિંક્સ અને લોભામણી યોજનાઓથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
