Vadodara: વડોદરા શહેરમાં પવિત્ર શ્રાવણ માસના આગમન પૂર્વે જ અસામાજિક પ્રવૃત્તિઓ અને જુગારધામો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના પથ્થરગેટ વિસ્તારમાં આવેલા જય કુબેર રેસિડેન્સીના એક ફ્લેટમાં ધમધમતી જુગારની મહેફિલ પર ડીસીબી (DCB) પોલીસે બાતમીના આધારે સફળ દરોડો પાડીને કુલ 13 જુગારીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી જુગારના શોખીનોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેર ડીસીબી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે પથ્થરગેટ વિસ્તારમાં આવેલી જય કુબેર રેસિડેન્સીના ફ્લેટ નંબર 502 માં તુષાર મુકેશભાઈ કણસે બહારથી લોકોને બોલાવીને પોતાના ફ્લેટમાં ગેરકાયદેસર રીતે જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો.
પોલીસની ટીમ જ્યારે ફ્લેટનો દરવાજો ખખડાવીને અંદર દાખલ થઈ, ત્યારે દ્રશ્યો જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. રૂમની અંદર ગોળ કુંડાળું વળીને ગોદડી પાથરીને કુલ 13 ઈસમો પત્તા-પાના વડે પૈસાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. અચાનક પોલીસની એન્ટ્રી થતાં જ ફ્લેટમાં દોડધામ મચી ગઈ હતી અને ખેલૈયાઓએ જુગાર રમવાનું બંધ કરી દીધું હતું.
પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ રૂ. 3,25,150 નો લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન પોલીસે જુગારીઓની અંગઝડતીમાંથી રૂ. 20,700 તથા જમીનદાવના રૂ. 4,450 મળીને કુલ રૂ. 25,150ની રોકડ રકમ કબજે કરી હતી. આ ઉપરાંત, આશરે રૂ. 75,000ની કિંમતના 12 મોબાઈલ ફોન અને રૂ. 2,25,000ની કિંમતના 5 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આ રેડમાં ફ્લેટના માલિક અને જુગાર રમાડનાર મુખ્ય સૂત્રધાર તુષાર મુકેશભાઈ કણસે તેમજ જુગાર રમતા અન્ય શખ્સો જેમાં જીતેન્દ્ર મંગળભાઈ કહાર, રાજેન્દ્ર સુનિલભાઈ સપકાલ, પ્રાંત રમેશચંદ્ર ખોનાર, પિયુષ અમૃતભાઈ રાજપૂત, રોહન રાજેશભાઈ ચૌહાણ, પવન સુરેશભાઈ માળી, હિરેન રાજેશભાઈ મસ્કે, ધ્રુવલ કૈલાશભાઈ ઓડ અને પ્રદીપ રાજેશભાઈ દીપ સહિતના કુલ 13 આરોપીઓ પકડાયા છે.
પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરી છે. શ્રાવણ માસ પહેલા જ ડીસીબી પોલીસે કરેલી આ સપાટો બોલાવતી કાર્યવાહીના કારણે વડોદરા શહેરમાં ચાલતા અન્ય ગેરકાયદેસર જુગારધામો ચલાવનારાઓમાં પણ મોટો ભય જોવા મળી રહ્યો છે.
