Gujarat High Court: શું OCI કાર્ડધારક ભારતમાં PIL દાખલ કરી શકે? યુકેના નાગરિકની અરજી પર મોટો વિવાદ

બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા OCI કાર્ડધારક દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી PIL પર કાયદાકીય વિવાદ ઊભો થયો છે. હાઈકોર્ટે સવાલ કર્યો છે કે શું વિદેશી નાગરિકત્વ ધરાવતી વ્યક્તિ ભારતમાં PIL દાખલ કરી શકે છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 30 Oct 2026 08:10 AM (IST)Updated: Fri, 30 Oct 2026 08:10 AM (IST)
gujarat-hc-questions-oci-cardholders-right-to-file-pil

Gujarat High Court: બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા અને મૂળ ગુજરાતમાં જન્મેલા એક ઓરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ હોલ્ડર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજી બાદ એક નવો કાયદાકીય વિવાદ ઊભો થયો છેય અરજદારે દેશની પ્રવર્તમાન સ્થિતિ પર ગંભીર આક્ષેપો કરતાં હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો કે, શું વિદેશી નાગરિકત્વ ધરાવતી વ્યક્તિ ભારતમાં પીઆઈએલ દાખલ કરવાનો અધિકાર ધરાવે છે કે નહીં.

હાઈકોર્ટમાં અરજદારે પીઆઈએલ દાખલ કરી

અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું કે, તેઓ ભલે યુનાઈટેડ કિંગડમના નાગરિકો હોય, પરંતુ તેઓ ભારતમાં પણ રહે છે. તેમના મતે ભારત દેશ અને સમાજમાં બદલાવ આવ્યો છે અને મહિલાો, બાળકો અને છેવાડાના લોકો ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. તેમણે દેશમાં કાયદા વગરના સમાજ જેવું વાતાવરણ હોવાનો દાવો પણ કર્યો હતો.

હાલ વડોદરાના કરજણ ખાતે રહેતા આ અરજદારે સ્વીકાર્યું કે, તેઓ યુકેમાં જાતિવાદ અને અન્યાયનો ભોગ બન્યા છે. યુકેમાં લોકો તેમને પરત ભારત જવાનું કહેતા, તેઓ હવે પરત જવા માંગતા નથી અને ભારતના નિર્બળ લોકોના અવાજ બનવા માટે આ અરજી દાખલ કરી છે.

હાઈકોર્ટે અરજદારને પૂછ્યા વેધક સવાલો

અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અરજદાર સામે કેટલાક કડક સવાલો પૂછ્યા હતા.હાઈકોર્ટે સવાલ કર્યો કે, તમે યુકેના નાગરિક છો તો તમે ભારતમાં કેટલા સમયથી રહો છો? તમે ભારતમાં 1 વર્ષ અને 15 દિવસ જેટલો સમયગાળો જ પસાર કર્યો છે. તો આટલા ઓછા સમયમાં ભારત વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી? જ્યારે તમારી પાસે સંપૂર્ણ ભારતીય નાગરિકતા નથી, તો તમે ભારતના કાયદાકીય અધિકારો હેઠળ જાહેરહિતની અરજી કેવી રીતે કરી શકો? જે વ્યક્તિ પાસે ભારતમાં મતદાન કરવાનો જ અધિકાર નથી, તેને ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાનો કાયદાકીય હક્ક કેવી રીતે મળી શકે?

રાજ્ય સરકારનો પક્ષ અને આગામી સુનાવણી

રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે OCI કાર્ડ હોલ્ડરના અધિકારો અત્યંત મર્યાદિત હોય છે. OCI કાર્ડધારકને માત્ર ભારતમાં રહેવાની મંજૂરી મળે છે, સંપૂર્ણ નાગરિકત્વ નહીં. હાઈકોર્ટે અરજદાર અને રાજ્ય સરકાર બંનેને આગામી 7મી ડિસેમ્બર સુધીમાં કાયદાકીય જોગવાઈઓ સાથે સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સુનાવણી દરમિયાન સાબિત કરવાનું રહેશે કે શું કાયદા મુજબ OCI કાર્ડ ધરાવતી વ્યક્તિ સામાન્ય ભારતીય નાગરિકો માટે PIL દાખલ કરી શકે છે કે નહીં.