Mahisagar News: મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં આવેલા ઝાલદડા ગામે એક સગા પિતાએ જ તેના માસૂમ 3 માસના પુત્રની ઘાતકી હત્યા કરી દીધી હોવાની આઘાતનજક ઘટના સામે આવી છે. આરોપીની પત્ની વારંવાર પિયરે જતી રહેતી હોવાથી બંને વચ્ચે વિવાદ થયો હતો. આથી આરોપીએ તેના ત્રણ માસના દિકરાને કૂવામાં ફેંકી દીધો હતો. કૂવામાં ડૂબાઇ જવાથી બાળકનું મોત થયું હતું.
પત્ની પિયરે જતી રહેતા થયો ઝઘડો
મળતી માહિતી મુજબ, સંતરામપુરના ઝાલદડા ગામે રહેતા આરોપી આશીષ ભૂરિયા અને તેની પત્ની વચ્ચે પિયર જવા બાબતે અવારનવાર ઘરકંકાસ થતો હતો. જેથી ઘટનાના દિવસે પણ વારંવાર પિયરે જવા બાબતે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. પોલીસ ફરિયાદ આધારે આરોપીએ ખાટલામાં સૂતેલા ત્રણ માસના બાળકને ઉંચકી લીધો હતો.
માસૂમ બાળકને કૂવામાં ફેંકી દીધો
આરોપીએ ત્રણ માસના બાળકને પાસેના કૂંવામાં ફેંકી દીધા હોવાનો ગંભીર આરોપ છે. કૂવામાં ડૂબી જવાથી બાળકનું કરુણ મોત થયુ હતું. બનાવની જાણ થતાં જ ગ્રામજનો અને પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનો અને પરિવારના લોકોએ ત્રણ માસના લવ્યાંશના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. ત્યાં સુધીમાં તેનું મોત થયું હતું.
માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
આ સમગ્ર મામલે મૃતક બાળકની માતાની ફરિયાદના આધારે સંતરામપુર પોલીસે આરોપી પિતા આશીષ ભુરિયા સામે બીએનએસની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે તુરંત કાર્યવાહી કરતાં આરોપીને જેલ ભેગો કર્યો છે. અને તેની સામે વધુની કાર્યવાહી હાથ ધરાઈ છે.
