Mahisagar: વીરપુરના ખાટા ગામે કાચી દીવાલ ધરાશાયી, કાટમાળ હેઠળ દટાયેલા એક જ પરિવારના બે માસૂમ બાળકોના મોત

મહીસાગરના વીરપુર તાલુકાના ખાટા ગામે ભારે વરસાદને કારણે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં ગંભીર દુર્ઘટના બની. આ દુર્ઘટનામાં ઘરના આંગણામાં રમી રહેલા એક જ પરિવારના બે માસૂમ બાળકો કાટમાળ નીચે દટાઈ જતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 13 Aug 2026 07:12 PM (IST)Updated: Thu, 13 Aug 2026 07:12 PM (IST)
mahisagar-news-wall-collapse-in-virpur-kills-2-minor-cousins-amid-heavy-rain

પ્રશાંત ગજ્જર, Mahisagar Wall Collapse: મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખાટા ગામે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. સતત પડી રહેલા વરસાદને કારણે એક કાચા મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં ઘરના આંગણામાં રમી રહેલા એક જ પરિવારના બે માસૂમ બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ કરુણ ઘટનામાં બંને બાળકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વીરપુર તાલુકાના ખાટા ગામે રહેતા જેસાભાઈ પગીના પરિવારમાં આ આભ જેવી દુર્ઘટના ઘટી હતી. આજે પરિવારના બે માસૂમ બાળકો ઘરની આંગણામાં રમી રહ્યા હતા. આ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ઘરની કાચી દીવાલ અચાનક નબળી પડીને ધરાશાયી થઈ ગઈ હતી.

આ અકસ્માતમાં દીવાલનો ભારે કાટમાળ ત્યાં રમી રહેલા બે બાળકો પર પડ્યો હતો. જેમાં 3 વર્ષીય માસુમ રાધિકાબેન અજમેલભાઈ પગી અને તેના કાકાનો 2 વર્ષીય પુત્ર આયુષ સંજયભાઈ પગી કાટમાળની નીચે ગંભીર રીતે દટાઈ ગયા હતા. દીવાલના ભારે વજન અને ઈંટો નીચે દબાઈ જવાના કારણે બંને માસૂમોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક રાહત બચાવ કામગીરી હાથ ધરી કાટમાળ હટાવ્યો હતો, પરંતુ તે પહેલા જ બંને માસૂમો આ દુનિયા છોડી ચુક્યા હતા.

અકસ્માતની આ કરુણ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. વીરપુર તાલુકાના તલાટી કમ મંત્રી, સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

અધિકારીઓએ સ્થળ પર પહોંચીને પંચનામું કરવાની સાથે જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આ સમગ્ર દુર્ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.

ચોમાસાની ઋતુમાં કાચા મકાનો અને જર્જરિત દીવાલો લોકો માટે જીવનું જોખમ બની રહી છે. આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. એક જ પરિવારના બે દીવાઓ એકસાથે બૂઝાવાને કારણે ખાટા ગામ સહિત સમગ્ર વીરપુર પંથકમાં ભારે શોક અને સન્નાટો છવાઈ ગયો છે. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ પણ ભારે ગમગીન બન્યું છે.