નરેન્દ્ર આહીર, Rajkot Crime News: રાજકોટના નાનામવા રોડ વિસ્તારમાં ફ્રૂટની રેકડી ચલાવતા એક વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. બિહારના એક વેપારીએ લીચીનો જથ્થો મોકલવાના બહાને રાજકોટના વેપારી પાસેથી 6.71 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર વેપારીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં નાના મવા રોડ પર ફ્રૂટનો હોલસેલ વેપાર કરતા કૌશરભાઈ મેતરની મુલાકાત થોડા સમય પહેલા હારૂનભાઈ નામના વ્યક્તિ સાથે થઈ હતી. વાતચીત દરમિયાન હારૂનભાઈએ પોતાના સાળા એમ.ડી. નઇમ આલમનો પરિચય કરાવ્યો હતો, જે બિહારના દરભંગા જિલ્લામાં લીચીનો હોલસેલ વેપાર કરતો હોવાનું જણાવાયું હતું.
હારૂનભાઈના વિશ્વાસમાં આવીને કૌશરભાઈએ બિહારથી લીચી મંગાવવાનું નક્કી કર્યું હતું. બંને વચ્ચે એક પેટી લીચીના 1250 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા અને કુલ 600 પેટી લીચીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ વેપારના વ્યવહાર માટે કૌશરભાઈએ બિહારના આ વેપારી પર ભરોસો મૂકીને માલ આવવાની રાહ જોવાનું શરૂ કર્યું હતું.
ઓર્ડર આપ્યા બાદ એમ.ડી. નઇમ આલમની સૂચના મુજબ, કૌશરભાઈએ તેની SBI બેંકના અલગ-અલગ ખાતાઓમાં ઓનલાઇન અને એટીએમ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું હતું. મે 2025 થી લઈને 2026 સુધીના સમયગાળા દરમિયાન વેપારીએ વિશ્વાસ રાખીને કટકે-કટકે કુલ 6,71,295 રૂપિયા આરોપીના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. આટલી મોટી રકમ મોકલ્યા છતાં પણ આરોપીએ બિહારથી લીચીનો માલ મોકલ્યો નહોતો.
જ્યારે વેપારીએ માલ વિશે પૂછપરછ કરી ત્યારે આરોપીએ પહેલાં પોતાની માતા બીમાર હોવાનું અને ત્યારબાદ લીચીની સીઝન પૂરી થઈ ગઈ હોવાનું કહીને અલગ-અલગ બહાના કાઢવાનું શરૂ કર્યું હતું. લાંબા સમય સુધી માલ ન મળતા અને પૈસા પરત ન મળતા વેપારીને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.
તેમજ આરોપીએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું અને અંતે વેપારીએ કાયદાકીય માર્ગ અપનાવવાનું નક્કી કર્યું હતું. પોતાની મહેનતની કમાણીના 6.71 લાખ રૂપિયા ગુમાવનાર કૌશરભાઈએ અંતે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં આરોપી એમ.ડી. નઇમ આલમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(2) હેઠળ છેતરપિંડીનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
