પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા શહેરમાં વહીવટી તંત્ર અને નાગરિકોની સુરક્ષાને જોખમમાં મૂકતી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરમાં વધુ એક વખત બોગસ ફાયર NOC બનાવવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક વહિવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, કૌભાંડીઓએ અગાઉની જૂની NOCની કોપી મેળવીને તેમાં હાઇટેક એડિટિંગ કર્યું હતું. આ નકલી પ્રમાણપત્ર તૈયાર કરવા માટે સસ્પેન્ડેડ ફાયર ઓફિસરની સહીનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે.
સામાન્ય રીતે ફાયર વિભાગ દ્વારા કોઈપણ ઇમારત કે સંસ્થાને ત્રણ વર્ષની મુદત માટે ફાયર NOC આપવા આવે છે, પરંતુ આ નકલી NOCમાં આ ટેન્યોર સાથે પણ છેડછાડ કરવામાં આવી છે અને તારીખો બદલીને નવું તેમજ વેલિડ દેખાડવાનો પ્રયાસ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અગાઉ પણ નકલી ફાયર NOC બનાવવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આમ છતાં આવા તત્વો દ્વારા લોકોના જીવન સાથે ચેડાં કરવાનું બંધ થયું નથી. ફાયર સેફટી જેવા અત્યંત સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ વિષયમાં આ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવતા સુરક્ષાના ધોરણો સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
આ મામલે જવાબદાર લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. જેથી ભવિષ્યમાં આ પ્રકારના જીવલેણ અને ગેરકાયદેસર કાર્યોને અંકુશમાં લાવી શકાય.
