પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા શહેરમાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા માટે પીએમ ઇ-બસ સેવા (Vadodara PM E-Bus Sewa) શરૂ કરવામાં આવી છે, પરંતુ આ નવી સેવા શરૂ થવાની સાથે જ દૈનિક મુસાફરોની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે.
જૂની સિટી બસ ઓપરેટ કરતી વિનાયક લોજિસ્ટિક કંપની દ્વારા બસોની સંખ્યા ઘટાડી દેવામાં આવતા વિવિધ રાહત દરના માસિક અને ત્રિમાસિક પાસ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, નોકરિયાત વર્ગ તેમજ સિનિયર સિટીઝનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અગાઉ જૂની સિટી બસોમાં રાહત દરે મળતા પાસને કારણે મુસાફરોને આર્થિક રાહત રહેતી હતી. કોર્પોરેશન સંચાલિત નવી ઇલેક્ટ્રિક બસોમાં હાલ પાસની કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી. આ સ્થિતિમાં પાસનો ઉપયોગ કરતા મુસાફરોને હવે દરેક મુસાફરી વખતે અલગથી પૂરું ભાડું ચૂકવવું પડી રહ્યું છે. અગાઉ જે મુસાફરો માસિક પાસના આધારે સફર કરતા હતા, તેમને હવે બમણું ભાડું ચૂકવવાનો વારો આવ્યો છે.
શહેરમાં અંદાજે મહિનામાં 6 હજારથી વધુ લોકો આ પાસ સુવિધાનો ઉપયોગ કરતા હતા. પાસ અચાનક બંધ થઈ જવાથી આ તમામ નિયમિત મુસાફરો પર મોટો આર્થિક બોજો પડી રહ્યો છે. નાગરિકોમાં રોષ છે કે જ્યારે જૂની બસ સેવા બંધ થવાની તૈયારીમાં છે, તો પછી નવી ઇ-બસ સેવામાં પાસની વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી?
સિટી બસોના અનેક રૂટ બંધ થતાં મુસાફરોને નાણાં રિફંડ કરવાની સ્થિતિ સર્જાઈ
આ સમગ્ર મામલા અંગે સિટી બસ ઓપરેટ કરતી કંપની વિનાયક લોજિસ્ટિકના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, જેમ-જેમ નવી ઇ-બસો આવી રહી છે, તેમ-તેમ અમારી બસોની સંખ્યા ઓછી કરવામાં આવી રહી છે અને તેના કારણે અનેક રૂટ પણ બંધ થયા છે. અનેક રૂટ બંધ થવાના કારણે મુસાફરોના પાસના નાણાં રિફંડ કરવાની સ્થિતિ ઊભી થઈ છે. હાલ શહેરમાં નવી 50 ઇલેક્ટ્રિક બસો આવતા વિનાયક લોજિસ્ટિકની કુલ 130 બસોમાંથી હવે માત્ર 60 બસો જ રસ્તા પર દોડી રહી છે.
વડોદરાના મુસાફરો અને વિવિધ વર્ગો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે, નવી પીએમ ઇલેક્ટ્રિક બસોમાં વહેલી તકે પાસની સુવિધા શરૂ કરવામાં આવે, જેથી મોંઘવારીના આ સમયમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને આર્થિક રાહત મળી શકે અને રોજિંદા પ્રવાસમાં પડતી મુશ્કેલીઓનો અંત આવે.
