Vadodara: ભાયલીમાં શ્વાન જેવી વિચિત્ર હરકતો કરનાર યુવકને હડકવા નહતો, તબીબી તપાસમાં નશાની લત કે માનસિક બીમાર હોવાનો ઘટસ્ફોટ

વડોદરાના ભાયલીમાં વિચિત્ર હરકતો કરતા યુવકને હડકવા હોવાની શંકાને પગલે 24 કલાક મેડિકલ ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો હતો. જ્યાં તબીબી તપાસમાં તે માનસિક બીમારી કે નશાની લતથી પીડિત હોવાનું બહાર આવ્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 13 Aug 2026 05:44 PM (IST)Updated: Thu, 13 Aug 2026 05:44 PM (IST)
vadodara-news-bhayli-youth-bizarre-behavior-not-rabies-but-mental-illness-suspected

પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં ગતરોજ બનેલી એક વિચિત્ર ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ભય અને કુતૂહલ ફેલાવી દીધું હતું. ભાયલીમાં રહેતા માન બહાદુર નામના યુવકે અચાનક જ પોતાને જ બચકા ભરવાનું અને આસપાસના લોકો પર હુમલો કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

યુવકની વિચિત્ર હરકતો જોઈને સ્થાનિક રહીશોમાં તે હડકવા જેવી ગંભીર બીમારીનો શિકાર બન્યો હોવાની પ્રબળ શંકા જાગી હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતા અને લોકોમાં ડરનું વાતાવરણ ઊભું થતાં સાવચેતીના ભાગરૂપે આસપાસના લોકોએ તાત્કાલિક ધોરણે યુવકને દોરડા વડે બાંધી દીધો હતો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તેને ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Rajkot News: શીતલ પાર્ક નજીક કૂતરું આડું ઉતરતા રેપિડો બાઈક સ્લીપ, નીચે પટકાયેલી શિક્ષિકા ટેન્કર નીચે ચગદાઈ ગઈ

ગોત્રી હોસ્પિટલ ખાતે પ્રાથમિક તપાસમાં યુવકની સ્થિતિ ગંભીર જણાતાં તબીબોએ વધુ સારવાર માટે તેને કારેલીબાગ સ્થિત ચેપી રોગ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યો હતો. આ ઘટનાને લઈને સમગ્ર વડોદરા શહેરમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે, આ સમગ્ર મામલે તબીબો દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.

24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો, પરંતુ હડકવાના લક્ષણો ના દેખાયા

કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલના તબીબ ડૉ. પ્રિતેશ શાહે આ મામલે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તબીબી ટીમે તેને 24 કલાક એટલે કે પૂરા એક દિવસ માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો હતો. આ ઓબ્ઝર્વેશન દરમિયાન યુવકમાં હડકવા કે રેબીઝને લગતા કોઈ પણ પ્રકારના શાબ્દિક કે શારીરિક લક્ષણો જોવા મળ્યા નહોતા.

તબીબોના પ્રાથમિક અનુમાન મુજબ, માન બહાદુર નામનો આ યુવક માનસિક બીમારીથી પીડિત હોઈ શકે છે અથવા તો વધુ પડતા કોઈ નશીલા પદાર્થોના સેવન ના કારણે આવી આક્રમક અને વિચિત્ર હરકતો કરતો હતો. હડકવા હોવાની આશંકા સંપૂર્ણપણે ખોટી સાબિત થતાં તબીબો અને સ્થાનિક તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

યુવકની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબો દ્વારા તેને વધુ યોગ્ય અને વિશેષ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે. હાલ યુવકને નિષ્ણાત ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે, જેથી તેની માનસિક સ્થિતિનું ચોક્કસ નિદાન થઈ શકે અને તેને સમયસર યોગ્ય સારવાર પૂરી પાડી શકાય.