Mahisagar Nal Se Jal Scam: મહિસાગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 123 કરોડ રૂપિયાના નલ સે જલ કૌભાંડ મામલે CID ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ વધુ તેજ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં અંદાજે 620 જેટલા ગામોના નાગરિકોના પીવાના પાણીના હકો જોખમાયા છે, જ્યારે બીજી તરફ કરોડો રૂપિયાની ગેરરીતિ આચરનાર આરોપીઓ સામે કાયદાકીય શિથિલતાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
CID ક્રાઈમની ટીમે આ પ્રકરણમાં વધુ એક કૌભાંડી કોન્ટ્રાકટર બકુલચંદ્ર કાલીદાસ પટેલ અને લુણાવાડા તાલુકાના વખતાપુરા ગામના સરપંચ નિખિલ રવજીભાઈ પટેલની ધરપકડ કરી છે. કોન્ટ્રાક્ટર બકુલચંદ્ર પટેલે સંતરામપુર તાલુકાના તળાવના મુવાડા અને કડાણા તાલુકાના ધરોળા ગામમાં આશરે 50 લાખ રૂપિયાથી વધુની અનિયમિતતાઓ આચરી હતી. જ્યારે સરપંચ નિખિલ પટેલે નલ સે જલ યોજનાના કામ પેટે પાણી સમિતિના બેંક ખાતામાં જમા થયેલા નાણામાંથી 4 લાખ રૂપિયા પોતાના બેંક ખાતામાં જમા કરાવવાના ચક્કરોમાં આખરે તપાસના સકંજામાં આવી ગયા હતા.
આ પણ વાંચો
આ કૌભાંડની સૌથી મોટી ચિંતાજનક બાબત એ છે કે અત્યાર સુધી ઝડપાયેલા આરોપીઓ કૌભાંડની માત્ર 15 ટકા રકમ અદાલતમાં સ્વૈચ્છિક રીતે જમા કરાવીને ફટાફટ જામીન મેળવી છૂટી રહ્યા છે. બાકીના 85 ટકા નાણાંની નાણાકીય વસૂલાત કેવી રીતે કરવી અને રાજ્ય સરકાર પાસે આ માટે કોઈ યોગ્ય માર્ગદર્શિકા કેમ ઉપલબ્ધ નથી તે અંગે સરકારી તંત્ર હજુ અંધારામાં અટવાતું હોવાનું દેખાઈ રહ્યું છે.
આ ધરપકડો બાદ બાકી રહેલા અન્ય કૌભાંડીઓમાં પણ હળવાશપૂર્વકનો હાશકારો પ્રસરી જવા પામ્યો છે. મહીસાગરના આ મહાકૌભાંડમાં સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા અત્યાર સુધી કુલ બાવન જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના શખ્સોને ઝડપી પાડવા માટે સઘન કાર્યવાહી જારી છે.
