Mahisagar: નરસીંગપુરમાં પિતાના હાથે પુત્રની હત્યા, લગ્ન કરવાની જીદ કરતો હોવાથી લાકડીના ફટકા મારીને પતાવી દીધો

મૃતકના મોટાભાઈએ પોતાના જ પિતા વિરુદ્ધ સંતરામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હત્યાનો ગુનો દાખલ. હત્યારા પિતાની શોધખોળ શરૂ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Feb 2026 04:50 PM (IST)Updated: Wed, 25 Feb 2026 04:50 PM (IST)
mahisagar-horror-father-kills-son-in-narsingpur-over-marriage-dispute
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • પોતાના લગ્ન કરાવવાને લઈને પુત્ર વારંવાર પિતા સાથે માથાકૂટ કરતો હતો
  • પુત્રને લોહીના ખાબોચિયામાં તરફડિયા મારતો મૂકીને પિતા ફરાર

Mahisagar: મહીસાગર જિલ્લાના સાંતલપુર તાલુકાના નરસીંગપુર ગામમાં એક પિતા દ્વારા પોતાના જ પુત્રની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં પુત્રની પોતાના લગ્ન કરાવવાની જિદને લઈને બન્ને વચ્ચે થયેલી માથાકૂટએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઉશ્કેરાયેલા પિતાએ પુત્રનું ઢીમ ઢાળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નરસીંગપુર ગામમાં રહેતા પ્રકાશ ભાભોર પોતાના લગ્ન કરાવી આપવા અંગે પિતા રમેશ ભાભોર પર દબાણ કરી રહ્યો હતો. આ મુદ્દે પિતા-પુત્ર વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી.

આજે પણ લગ્ન કરાવવા મુદ્દે પિતા-પુત્ર વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ. જે બાદ ઉશ્કેરાયેલા રમેશભાઈએ ઘરમાં રહેલી લાકડી વડે પુત્ર પ્રકાશને આડેધડ ફટકા માર્યા હતા. જેના પગલે માથામાં ગંભીર ઈજા થતાં પ્રકાશ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ ગયો હતો.

જે બાદ પરિવારજનો દ્વારા પ્રકાશને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન પ્રકાશનું મોત નીપજ્યું છે.

આ સંદર્ભે મૃતક પ્રકાશના મોટાભાઈ મોહન ભાભોરે પોતાના જ પિતા રમેશ ભાભોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદના આધારે સંતરામપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.