Kirti Patel bail Granted: મહાશિવરાત્રી મેળા દરમિયાન પવિત્ર મૃગીકુંડમાં ડૂબકી માર્યા બાદ ફરી વિવાદમાં આવેલી કીર્તિ પટેલની પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે. જે બાદ તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે બાદ ખંડણી કેસમાં કીર્તિ પટેલના જામીન મંજૂર થયા છે. બીજી તરફ ભવનાથ પોલીસ સ્ટેશનના ગુનામાં કીર્તિ પટેલને આજે મંગળવારે હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે.
વિવાદિત કીર્તિ પટેલ સામે ત્રણ ફરિયાદ
સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ તાજેતરમાં મહાશિવરાત્રી મેળા દરમિયાન ફરી વિવાદમાં આવી છે. કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરીને પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. આ મુદ્દે સાધુ-સંતોમાં નારાજગી વ્યાપી હતી. આ દરમિયાન કીર્તિ પટેલ સામે એક બાદ એક ત્રણ કેસ નોંધાયા હતા. જોકે, આરોપી કીર્તિ પટેલ ફરાર થઈ ગઈ હતી.
રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ
ટૂંકા ગાળામાં નોંધાયેલી ત્રણ અલગ-અલગ ફરિયાદોને પગલે જૂનાગઢ પોલીસે ઉદયપુરથી કીર્તિ પટેલની ધરપકડ કરી છે. ધરપકડ બાદ કીર્તિ પટેલને ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે 22 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ લાવવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ધરપકડથી બચવા માટે કીર્તિ પટેલે ઉદયપુરમાં આશરો લીધો હતો અને ત્યાંથી તે સતત પોલીસની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી.
ખંડણી કેસમાં કીર્તિ પટેલના જામીન મંજૂર
23 ફેબ્રુઆરીની સાંજે કીર્તિ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટ પરિસરમાં પોલીસની ગાડીમાંથી ઉતરતા જ કીર્તિ પટેલ ચોધાર આંસુએ રડી પડી હતી. જોકે, કોર્ટ દ્વારા ખંડણી કેસમાં કીર્તિ પટેલના જામીન મંજૂર કર્યા છે. જે બાદ કોર્ટમાંથી બહાર આવતા સમયે કીર્તિ પટેલ હસતા ચહેરે નજરે પડી હતી. ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આજે 24 ફેબ્રુઆરીના રોજ હાજર થવા કીર્તિ પટેલને ફરમાન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Kirti Patel: એક સમયે રૌફ જમાવતી કીર્તિ પટેલ ચોંધાર આંસુએ રડવા લાગી, આજીજી કરી કહેવા લાગી…
બચાવપક્ષના વકીલે કરી ધારદાર દલીલ
જૂનાગઢની નામદાર એડિશનલ ચીફ કોર્ટમાં કીર્તિ પટેલ વતી હાજર રહેલા વકીલ સુરેશ પરમારે બચાવપક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું કે, માત્ર આક્ષેપોના આધારે આરોપીને સતત કસ્ટડીમાં રાખવો એ ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. પોલીસે કીર્તિ પટેલના ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે એડવોકેટે દલીલ કરી હતી કે ઘણીવાર તપાસ માટે ફિઝિકલ કસ્ટડીની જરૂર હોતી નથી.
એડવોકેટ સુરેશ પરમારે કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી કે, આરોપીના માનવીય હકોનું રક્ષણ થાય એ જરૂરી છે. પરિણામે, નામદાર અદાલતે કીર્તિ પટેલના રિમાન્ડ આજે સાંજે 4:30 વાગ્યા સુધી જ મંજૂર કર્યા હતા. સાથે પોલીસને કડક સૂચના આપી હતી કે રિમાન્ડ પહેલાં અને પછી ફરજિયાત મેડિકલ ચેકઅપ કરાવવું અને તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવો.
