Kirti Patel Extortion Case: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલને જેલમાં જ રહેવું પડશે, સુરત કોર્ટે જામીન અરજી ફગાવી

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની ખંડણી કેસમાં સુરત કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે, જેના કારણે તેને જેલમાં જ રહેવું પડશે. કોર્ટે કીર્તિ પટેલના ગંભીર ગુનાહિત ઇતિહાસ અને સમાજ પર તેની અસરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 13 Aug 2026 03:53 PM (IST)Updated: Thu, 13 Aug 2026 03:53 PM (IST)
surat-news-kirti-patel-bail-rejected-by-court-in-extortion-case

Kirti Patel Extortion Case: સોશિયલ મીડિયા પર સતત વિવાદોમાં રહેતી જાણીતી ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની કાનૂની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સુરતની અદાલતે એક ગંભીર ખંડણી કેસમાં કીર્તિ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે, જેના કારણે તેને હાલ જેલમાં જ રહેવું પડશે.

કોર્ટે કીર્તિ પટેલના ગંભીર ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ નોંધ્યું હતું કે આવા વ્યક્તિઓને જામીન પર મુક્ત કરવાથી સમાજ પર અત્યંત વિપરીત અસર પડે છે અને ખોટો સંદેશ જાય છે.

રાજુ ભમ્મર પાસેથી 3.12 કરોડ રૂપિયા પડાવ્યાનો ગંભીર આરોપ

આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, ભાવનગરના એક વેપારી રાજુ ભમ્મર દ્વારા કીર્તિ પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની અને ધમકીઓ આપવાની ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, કીર્તિ પટેલે અગાઉ એક બળાત્કારની ફરિયાદના મામલે 12 લાખ રૂપિયાનું સેટિંગ કર્યું હતું. જે બાદ દોઢ વર્ષના સમયગાળા દરમિયાન ફરિયાદી પાસેથી અલગ-અલગ રીતે કુલ 3.12 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લેવામાં આવી હતી. આ ફરિયાદના આધારે સુરતની પુણા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કીર્તિ પટેલની ધરપકડ કરી હતી.

ગુનાઓનો લાંબો ઇતિહાસ નડ્યો

અદાલતમાં જામીન મેળવવા માટે કીર્તિ પટેલ તરફથી પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે સરકારી વકીલ અને તપાસ એજન્સી દ્વારા કોર્ટ સમક્ષ કીર્તિ પટેલના ગુનાહિત ઇતિહાસના પુરાવા અને મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી. કીર્તિ પટેલ સામે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારામારી, ધમકીઓ અને ખંડણી સહિતના 15 થી વધારે ગુનાઓ નોંધાયેલા છે.

તેના વિરુદ્ધ નોંધાયેલા મુખ્ય ગુનાઓ પર નજર કરીએ તો:

જૂનાગઢમાં પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરવા બદલ કેસ નોંધાયો હતો.

જૂનાગઢમાં જ 20 લાખ રૂપિયાની ખંડણી માંગવા અને ધમકી આપવા બદલ ગુનો દાખલ થયો હતો.

સોશિયલ મીડિયા પર બદનામી કરતા વીડિયો પોસ્ટ કરવા અને ધમકીઓ આપવાના કેસ નોંધાયા હતા.

સુરતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, જેમાં વર્ષ 2019 થી ભાડે રાખેલા ફ્લેટ પર ગેરકાયદે કબજો જમાવી રાખવા અને ફ્લેટ માલિકને ધમકી આપવાનો આરોપ છે.

કોર્ટે કડક વલણ અપનાવ્યું

કાનૂની કાર્યવાહી દરમિયાન સુરત કોર્ટે અવલોકન કર્યું કે, આરોપીનો ભૂતકાળ જોતાં તેને જામીન આપી શકાય નહીં. ખંડણી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલી હોવાથી અને સમાજમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કોર્ટે તેની અરજી ગ્રાહ્ય રાખવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

કીર્તિ પટેલનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ અગાઉ ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. જામીન અરજી રદ થતાં હવે કીર્તિ પટેલની કાનૂની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધુ વકરી શકે છે.