Gujarat Farmer Protest: ખેડૂતોના હક માટે સાંસદ પૂનમ માડમ મેદાનમાં, વળતરને લઈને ગેસ પાઈપલાઈન કંપનીના અધિકારીઓને ખખડાવ્યા

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોના વિરોધમાં સાંસદ પૂનમ માડમ મેદાને આવ્યા છે. તેમણે અધિકારીઓને ખખડાવી ખેડૂતોને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કામ રોકવાનો આદેશ અપાવ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 13 Aug 2026 03:38 PM (IST)Updated: Thu, 13 Aug 2026 03:38 PM (IST)
devbhumi-dwarka-news-mp-poonam-madam-support-famers-protest-scolds-gas-pipeline-officials

Gujarat Farmers Protest: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે. આ આંદોલન વચ્ચે જામનગર-દ્વારકા લોકસભા ક્ષેત્રના ભાજપના સાંસદ પૂનમ માડમ ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા છે. તેમણે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, ગેસ કંપનીના પ્રતિનિધિઓ અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે મધ્યસ્થી કરીને એક મહત્વપૂર્ણ મંત્રણા બેઠક યોજી હતી, જેમાં તેમણે અધિકારીઓને ખખડાવ્યા હતા.

કિંમતી અને ફળદ્રૂપ જમીનમાં બળજબરીનો આક્ષેપ

ખંભાળિયા તાલુકાના વડાલિયા સિંહણ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કંપની દ્વારા નાખવામાં આવી રહેલી ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે.

ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે, તેમની કિંમતી અને ફળદ્રૂપ જમીનમાંથી પૂરતી સંમતિ કે કાયદાકીય પ્રક્રિયા વગર જ પાઈપલાઈન પસાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બજાર ભાવ મુજબ પૂરતું અને યોગ્ય વળતર ન ચૂકવાતા તેમજ ઊભા પાકને થઈ રહેલા નુકસાન સામે વિરોધ દર્શાવવા ખેડૂતોએ પોતાના ખેતરોમાં જ અડીંગો જમાવીને કામગીરી અટકાવી દીધી હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભારે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.

સાંસદે અધિકારીઓને રોકડું પરખાવ્યું- 'ખેડૂતો પોતાનો અધિકાર જ માંગે છે'

ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બનતા સાંસદ પૂનમ માડમે ખંભાળિયા ખાતે ખાસ ત્રિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન સાંસદ પૂનમ માડમ અધિકારીઓ પર લાલઘૂમ થઈ ગયા હતા અને ખેડૂતોનો પક્ષ મજબૂતીથી રજૂ કરતા સ્પષ્ટ કહ્યું હતું કે, ખેડૂતો પોતાનો અધિકાર માંગે છે.

ખેડૂત પોતાના ખિસ્સામાંથી 1 રૂપિયો પણ નુકસાન સહન કરે તે તર્ક મને સમજાતો નથી. હું બિલકુલ ખેડૂતોની સાથે છું અને તેમની જમીનનું યોગ્ય વળતર મેળવવું એ તેમનો બંધારણીય અધિકાર છે. ખેડૂતોની સંમતિ અને સંતોષ વગર કોઈપણ પ્રકારની બળજબરીથી કામ કરી શકાય નહીં.

વળતર આપ્યા બાદ જ કામ શરૂ કરવા પર સહમતિ

આ લાંબી મેરાથોન મંત્રણાના અંતે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જ્યાં સુધી ખેડૂતોને કાયદા મુજબ પૂરતું અને યોગ્ય વળતર ચૂકવવાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપની આગળનું કોઈ કામ શરૂ કરી શકશે નહીં. ગેસ કંપનીના ઉચ્ચ અધિકારીઓએ પણ આ શરતો પર સહમતિ દર્શાવી છે અને ખાતરી આપી છે કે જમીનનો સર્વે તથા પાક નુકસાનીનું મૂલ્યાંકન અત્યંત પારદર્શક રીતે કરવામાં આવશે.