Paresh Goswami Gujarat Rain Forecast: ગુજરાતમાં ઓગસ્ટની શરૂઆતના કેટલાક દિવસોને બાદ કરીએ તો, તે પછી ભારે વરસાદે એકંદરે વિરામ લીધો છે. હાલ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જરૂર વરસી રહ્યા છે, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો હજુ સુધી કોરાધાકોર રહેતા પરિસ્થિતિ ગંભીર બની છે.
અહીના ખેડૂતો લાંબા સમયથી ભારે વરસાદ ક્યારે વરસે, તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી બારેક દિવસ ભારે વરસાદની શક્યતા નહીવત હોવાનું જણાવીને ખેડૂતોને પાકને પિયત આપી દેવાની સલાહ આપી છે.
14 ઓગસ્ટથી ગુજરાતમાં આકાશ ખુલ્લુ થતાં તડકો નીકળશે
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, આગામી 25 ઓગસ્ટ સુધી કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા નથી. આમ છતાં છેલ્લા બે દિવસમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશ ઉપરથી પસાર થઈ રહેલી વરસાદી સિસ્ટમના કારણે આ બન્ને રાજ્યની સરહદને અડીને આવેલા ગુજરાતના ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.
જો કે આગામી 14 ઓગસ્ટથી વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે. આ સાથે જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરીથી તડકો નીકળવાની શક્યતા છે.
આ ઉપરાંત અત્યારે અરબ સાગર કે બંગાળની ખાડીમાં એવી કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી, જે ગુજરાતને સીધો વરસાદનો લાભ આપી શકે. આમ છતાં 17 ઓગસ્ટ બાદ વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ તે પણ રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા સુધી જ સીમિત રહેશે.
25 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અત્યારે દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. પોરબંદરના કેટલાક તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ જરૂર પડ્યો હતો, પરંતુ હજુ પણ અનેક તાલુકાઓ વરસાદથી વંચિત છે. કચ્છ જિલ્લો પણ વરસાદની દ્રષ્ટિએ નબળો રહ્યો છે. જામનગર જિલ્લાના પણ 50 ટકા ભાગમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે.
જો કે 22 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આ મજબૂત સિસ્ટમ 25 ઓગસ્ટ પછી ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ લાવી શકે છે. ખાસ કરીને 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક અને ભારે વરસાદની અપેક્ષા છે. આ રાઉન્ડનો વરસાદ દુષ્કાળગ્રસ્ત ભાગો સહિત સમગ્ર રાજ્યની પાણીની સમસ્યા હલ કરી શકે છે.
હવામાન નિષ્ણાંતે ખેડૂતોને સલાહ આપતા જણાવ્યું કે, પિયત લાયક વરસાદની શક્યતા 25 ઓગસ્ટ સુધી નહીવત છે. આથી ખેડૂતોએ વરસાદની રાહ જોયા વિના પોતાના ઉભા પાકને બચાવવા માટે પિયત આપી દેવું જોઈએ.
આજે ગુજરાતના 146 તાલુકામાં મેઘમહેર
આજે સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં વરસાદનું થોડુ જોર જોવા મળ્યું છે. જેમાં ખેડબ્રહ્મામાં 83 મી.મી, વડગામમાં 79 મી.મી., વડાલીમાં 73 મી.મી., સતલાસણામાં 64 મી.મી., દાંતીવાડામાં 53 મી.મી., દાંતામાં 53 મી.મી., વિજયનગરમાં 51 મી.મી., પોશીનામાં 48 મી.મી., ખેરાલુમાં 44 મી.મી., હડાદમાં 42 મી.મી. તેમજ પાલનપુરમાં 38 મી.મી. વરસાદ વરસ્યો છે.
