Ambalal Patel Rain Forecast: જૂન મહિનાના અંતમાં ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું તેની અડધી સફર કાપી ચૂક્યું હોવા છતાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ જોઈએ તેટલો વરસાદ નથી વરસ્યો. અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો 70 ટકા જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની ઘટના પરિણામે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની અછત ધરાવતા ભાગોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા ભાગો એકંદરે કોરાધાકોર રહ્યા છે. ઈરાન તેમજ પાકિસ્તાન તરફથી આવતા સૂકા પવનો ઉપરાંત ઉપલા લેવલ પર ભેજ ના હોવાના કારણે તળભાગોમાં વરસાદ નથી પડતો. આ સિવાય અરબ સાગર પણ સક્રિય નથી, તેમજ બંગાળના ઉપસાગરનો ભેજ પણ ત્યાં સુધી પહોંચી શકતો નથી. જેના પરિણામે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ સુધી ભારે વરસાદનો રાઉન્ડ નથી આવ્યો.
આ પણ વાંચો
જો કે ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં અરબ સાગર સક્રિય થવા જઈ રહ્યો છે. જેથી રાજ્યના જે ભાગોમાં હજુ સુધી વરસાદ નથી, ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને આગામી 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતા છે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 13 સપ્ટેમ્બરથી ગરમી પડવાની શક્યતા છે. જેના કારણે હવાના હળવા દબાણ થી અરબ સાગર અને બંગાળનો ઉપસાગર સક્રિય થઈ શકે છે. જેની અસરથી સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. તેમજ 10 ઓક્ટોબર બાદ પણ અરબ સાગર અને બંગાળનો ઉપસાગર સક્રિય રહેતા ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદી ઝાપટા તેમજ વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે.
24 કલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આવનારા 24 કલાકમાં ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ખાસ કરીને રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડશે. આ સિવાય ઉત્તર-દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કોઈ-કોઈ ભાગોમાં વરસાદી ઝાપટા વરસશે. જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
આગામી 17 થી 19 ઓગસ્ટ દરમિયાન મઘા નક્ષત્રમાં પણ વરસાદી ઝાપટા પડશે. આ મઘા નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાય છે. 23 થી 28 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.
