Gujarat Rain News: ગુજરાતમાં લાંબા વિરામ બાદ છેલ્લા 2 દિવસથી મેઘાવી માહોલ જામ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના 50 ટકા ભાગોમાં ગઈકાલે હળવો વરસાદ નોંધાયા બાદ આજે વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો જોવા મળ્યો છે. જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
ખેડબ્રહ્મામાં 3 ઈંચથી વધુ ધોધમાર ખાબક્યો, વડાલીમાં પણ પોણા 3 ઈંચ વરસાદ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા મુજબ, આજે સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધીના 10 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મા અને વડાલી તાલુકામાં જોવા મળ્યો છે, જ્યાં બપોરના સમયે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.
ખેડબ્રહ્મા તાલુકામાં સૌથી વધુ 78 મી.મી (3.07) વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન ભારે વરસાદ ખાબક્યો હતો. આવી જ વડાલી તાલુકામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા અને ત્યાં કુલ 69 મી.મી (2.72) વરસાદ વરસ્યો છે.
આ સિવાય વિજયનગર તાલુકામાં 51 મી.મી (2.01), પોશીના તાલુકામાં 44 મી.મી (1.73), ઈડર તાલુકામાં 26 મી.મી (1.02) વરસાદ પડ્યો છે. જ્યારે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં પ્રમાણમાં ઓછો એટલે કે 10 મી.મી (0.39) વરસાદ નોંધાયો છે. તેમજ તલોદમાં 6 મી.મી (0.24) અને પ્રાંતિજ: 5 મી.મી (0.2) વરસાદ પડ્યો છે.
આજે 21 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 125 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા સિવાય બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં વરસાદનું જોર વધારે રહ્યું છે. જેમાં દાંતીવાડામાં 53 મી.મી (2.09 ઈંચ), દાંતામાં 44 મી.મી (1.7 ઈંચ), સતલાસણામાં 43 મી.મી (1.6 ઈંચ), ખેરાલુમાં 42 મિ.મી (1.6 ઈંચ), હડાદમાં 38 મી.મી (1.5 ઈંચ) તેમજ પાલનપુરમાં પણ 38 મી.મી (1.5 ઈંચ) વરસાદ નોંધાયો છે. આમ આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 21 તાલુકામાં 1 ઈંચથી વધુ તેમજ 4 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ઉત્તર ગુજરાતના 4 જિલ્લા માટે 3 કલાક અતિભારે
અમદાવાદ સ્થિત હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા લેટેસ્ટ નાઉકાસ્ટ અનુસાર, આગામી 3 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યો છે. જેમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠામાં 41થી 61 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ તૂટી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ સિવાય પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની શક્યતા છે.
