Sabarkantha Crime News: સાબરકાંઠા જિલ્લાના હિમતનગર તાલુકામાં ચાંપલાનાર ગામે ખોટી અરજી કરવાના મુ્દ્દે થયેલી તકરારમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સહિત 3 શખ્સો સામે ગાંભોઈ પોલીસ મથકે એટ્રોસિટી અને મારામારી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોધવામાં આવ્યો છે. આ મામલો સામે આવતા રાજકીય આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.
રસ્તે રોકી હુમલો કર્યાનો આક્ષેપ
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, ચાંપલાનાર ગામના રહેવાસી 42 વર્ષીય હરેશ વાલ્મીકિ પોતાની બાઈક લઈને ગામમાંથી જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામના જૂના દવાખાના નજીક સાબરકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કમલેશ ચંદુભાઈ બારોટે ચેમને રસ્તે અટકાવીને તુ કેમ મારા વિરુદ્ધ ખોટી અરજીઓ કરે છે. તેમ કહીને ઉગ્ર બોલાચાલી કરી હતી.
ત્યારબાદ યુવકની ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે, કમલેશ બારોટ સાથે આવેલા ભાવિક અંબાલાલ બારોટ અને સંજય અમરતસિંહ મકવાણાએ હરેશભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ ફરિયાદીના આક્ષેપ પ્રમાણે, ફરિયાદીને જાતિવિષયક અપમાનિત કરીને અપશબ્દો કહ્યા હતા.
પીડિતે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી
સમગ્ર ઘટના અંગે પીડિત હરેશ વાલ્મીકિએ ગાંભોઈ પોલીસ મથકમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સહિત 3 લોકો સામે લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોધીને આરોપીઓ સામે કાર્યવાહી શરુ કરી છે.
