Vadodara Nude Video Calling: વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ સતત સક્રિય છે, ત્યારે માંજલપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
માંજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરબાર ચોકડી પાસે આવેલા પ્રકૃતિ ફ્લેટના ત્રીજા માળે એક ઘરમાં દરોડો પાડીને ઓનલાઈન ન્યૂડ વીડિયો કોલિંગ અને અનૈતિક દેહવ્યાપારનું હાઇપ્રોફાઇલ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવનાર મુખ્ય આરોપી મનીષ પઢિયારની સ્થળ પરથી જ ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલ આરોપી મનીષ પઢિયાર બહારથી આર્થિક જરૂરિયાતમંદ યુવતીઓને પોતાના ફ્લેટ પર બોલાવતો હતો અને જાણીતી 'સ્ટ્રીપ ચેટ' એપ મારફતે ઓનલાઈન ન્યૂડ વીડિયો કોલિંગનું ગેરકાયદેસર રેકેટ ચલાવતો હતો.
આ ફ્લેટમાં યુવતીઓ પાસે ગ્રાહકો સમક્ષ નગ્ન થઈને બિભત્સ અને અશ્લીલ હરકતો કરાવવામાં આવતી હતી. આરોપી યુવતીઓને મળતી ઓનલાઈન રકમમાંથી મોટો હિસ્સો કમિશન તરીકે મેળવતો હતો અને આડકતરી રીતે ઓનલાઈન માધ્યમથી અનૈતિક દેહવ્યાપારનો ધંધો ધમધમાવી રહ્યો હતો.
આ ગોરખધંધાની બાતમી મળતાની સાથે જ માંજલપુર પોલીસની ટીમે આ ફ્લેટ પર અચાનક દરોડો પાડ્યો હતો, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા 3 લેપટોપ, 2 ડેસ્ક કેમેરા, આઇફોન-15 સહિત કુલ રૂ. 27 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જ્યારે ઝડપાયેલા આરોપી મનીષ કનુભાઈ પઢીયાર વિરુદ્ધ પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ તેમજ આઈટી એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધરપકડ કરી છે. આ કોલ સેન્ટર સાથે અન્ય કયા કયા શખ્સો સંકળાયેલા છે અને આ નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું તે દિશામાં પોલીસે સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરમાં આવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ આચરનારાઓ સામે પોલીસની આ લાલ આંખથી ગુનેગારોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
