Junagadh News: જૂનાગઢ અને ગીર પંથકમાં માનવ વસ્તીમાં સિંહ અને દીપડા જેવા વન્યજીવોની અવરજવર રહેતી હોય છે. જ્યાં ઘણી વખત વન્યજીવો આક્રમક બનીને માણસો પર જીવલેણ હુમલાઓ કરી દેતા હોય છે. આવો જ બનાવ કેશોદ તાલુકાના કોયલાણા ગામમાંથી સામે આવ્યો છે. ખેતરમાં કામ કરતી વખતે એક ખેડૂત પર દીપડાએ અચાનક હુમલો કરીને ઈજાગ્રસ્ત કરતાં સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
વાડીમાં કામ કરતા ખેડૂત પર દીપડાનો હુમલો
મળતી વિગત અનુસાર, કોયલાણા ગામના રહેવાસી એવા ખેડૂત ગંભીરસિંહ રાયજાદા પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તેવામાં અચાનક વાડીએ આવી ચડેલા ખૂંખાર દીપડાએ અચાનક જ હુમલો કરી દીધો હતો. જેમાં ખેડૂત ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આથી ઘાયલ ખેડૂતને તાત્કાલિક ધોરણે કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પછી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
ખેડૂતના જણાવ્યા પ્રમાણે, તેઓ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક દીપડાએ હુમલો કરી દીધો હતો. વાડી રસ્તાને કાંઠે હોવાથી દીપડો રસ્તા પરથી આવીને ખેડૂતને ઘાયલ કરી દીધા હતા. અગાઉ પણ વાડી વિસ્તારમાં દીપડો આવતો હતો.
દીપડાને પકડવા વન વિભાગ સામે માંગણી
ગ્રામજનોએ જણાવ્યું કે, વાડી વિસ્તાર નદી કાંઠે હોવાથી દીપડો અવારનવાર આ વિસ્તારમાં આવી ચડે છે. રાત્રિના સમયે દીપડાએ અચાનક જ ખેડૂત પર હુમલો કરી દીધો હતો. દીપડાના આતંકથી કોઈ પણ ખેતરમાં કામ કરવા માટે જતું નથી. આથી પાકને પણ નુકસાન પહોચી રહ્યું છે. જેથી સત્વરે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવે તેને પકડી પાડવા અંગે લોકોની માંગ છે.
