Junagadh News: જૂનાગઢના એક યુવકનું અપહરણ કરી જેતપુર નજીક ભાદર નદીના પુલ પરથી ફેંકી દઈ નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે જૂનાગઢ સી ડિવિઝન પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલા પાછળ પૈસાની લેતીદેતી કારણ હોવાનું સામે આવ્યું છે.
પૈસાની લેતીદેતીમાં રચાયું હત્યાનું કાવતરું
આ પણ વાંચો
આ મામલે મૃતક સમીરના ભાઈએ નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર, ગત 16 નવેમ્બરના રોજ બનેલી ઘટનામાં મૃતક સમીર હનીફભાઈ શેખ પાસેથી આરોપી નાસીર ખાન પઠાણ ₹80 હજારની માંગતો હતો. સમીરે જણાવ્યું હતું કે, તેની પાસે હાલ પૈસા ન હોવાથી થોડા દિવસોમાં આપી દેશે. આ જ બાબતને લઈને નાસીર પઠાણે સમીર વિરુદ્ધ કાવતરું રચ્યું અને પોતાના ઘરે પોતાના ઘરે કલરકામ કરવા માટે બોલાવ્યો હતો.
લસ્સીમાં ઘેનની ગોળી ભેળવી, પછી હત્યા
નાસીર પઠાણે પોતાના ઘરે સમીરને લસ્સીમાં બેભાન થવાની ગોળીઓ ભેળવી આપી હતી. આમ, પૂર્વનિયોજિત કાવતરું રચી આરોપીએ યુવકને બેભાન કરી દીધો. ત્યારબાદ આરોપી નાસીર ખાન પઠાણ અને તેના પુત્ર દાઉદ ખાન નાસીર ખાન પઠાણે બેભાન હાલતમાં રહેલા સમીરને તેની જ એક્ટિવા પર બેસાડી જેતપુર નજીક લઈ ગયા હતા. જ્યાં બેભાન સમીરને ભાદર નદીના પુલ પરથી નીચે ફેંકી દઈ તેની હત્યા કરી નાખવામાં આવી હતી.

આરોપી પિતા-પુત્રની પોલીસે કરી ધરપકડ
આ ઘટના અંગે મૃતકના ભાઈએજૂનાગઢ સી ડિવિઝન હેડક્વાર્ટર ખાતે નાસીર ખાન પઠાણ અને દાઉદ નાસીર ખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પિતા-પુત્ર બંને આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, નાસીર ખાન પઠાણે ધર્મ પરિવર્તન કર્યું હતું. તેનું મૂળ નામ નાનજી કટારિયા હતું અને તેણે હિન્દુ ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો.
આરોપી નાસીર ખાનનો ગુનાહિત ઈતિહાસ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અગાઉ પણ નાસીર ખાન વિરુદ્ધ લૂંટ અને હત્યાનો ગુનો નોંધાયેલો છે. વર્ષ 2020માં ગોંડલના વેકરી ગામે એક શાળાની ઈન્સ્યોરન્સ પોલિસી મામલે એક સંબંધીની હત્યા કરવામાં આવી હતી, જે કેસમાં નાસીર ખાન અને તેની બહેન મંજુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. હાલ સી ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
