જૂનાગઢ: કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનારી માતા પર હુમલો, આરોપી સાધુ શિવગીરી ફરાર; પોલીસ તપાસ શરૂ

મંગળવારની રાત્રે બનેલી આ ઘટનામાં ફરિયાદના આધારે પોલીસે ફરાર આરોપીની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 25 Nov 2026 06:48 PM (IST)Updated: Wed, 25 Nov 2026 06:48 PM (IST)
junagadh-kinnar-akhada-mahamandaleshwar-girnari-mata-attacked-accused-sadhu-shivgiri-absconding

Junagadh News: જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં કિન્નર અખાડામાં યોજાયેલ ભજન સંધ્યા દરમિયાન શિવગિરી નામના સાધુએ ગાળો બોલવા મામલે થયેલી બોલાચાલી બાદ જુના કિન્નર અખાડાના અધ્યક્ષ મહામંડલેશ્વર ગિરનારી માતા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. વધુમાં, તેની સાથે આવેલા 3 શખ્સોએ પણ સેવકો પર હુમલો કર્યો હતો. મંગળવારની રાત્રે બનેલી આ ઘટનામાં ફરિયાદના આધારે પોલીસે ફરાર આરોપીની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.

ભજન સંધ્યા દરમિયાન સાધુએ કર્યો હુમલો

ગિરનારની લીલી પરિક્રમામાં ભાગ લેવા માટે કિન્નર અખાડાના મહામંડલેશ્વર સહિત વિવિધ જિલ્લા અને રાજ્યોમાંથી કિન્નરો જૂનાગઢ આવ્યા હતા. પરિક્રમા પૂર્ણ થયા બાદ 24 નવેમ્બર, મંગળવારની રાત્રે કિન્નર અખાડા ખાતે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક સાધુ-સંતો અને અખાડાના સભ્યો ઉપસ્થિત હતા.

આ દરમિયાન શિવગિરી નામનો સાધુ હાથમાં ગદા લઈને અચાનક અખાડામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ, તે નગ્ન અવસ્થામાં હતો અને સત્સંગ દરમિયાન કોઈ બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા તેણે હાથમાં રહેલી ગદાનો ઘા જૂના કિન્નર અખાડાના અધ્યક્ષ 1008 મહામંડલેશ્વર ગિરનારી માતા ઉર્ફે સ્વીટુ માતાના માથાના ભાગે માર્યો હતો.

વચ્ચે પડેલા સેવકો પર પણ લાકડીથી હુમલો

ગિરનારી માતાએ બૂમાબૂમ કરતા અખાડાના સેવકો સુમિત્રાગિરી માતાજી, પુંજાભાઈ અને વિપુલ રાવત વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન શિવગિરી સાથે આવેલા 3 શખ્સોએ ધુણામાં પડેલા લાકડાં ઉપાડીને હુમલો કર્યો હતો. આ હુમલામાં સુમિત્રાગિરી માતાને ડાબા હાથમાં ઈજા થઈ, જ્યારે પુંજાભાઈને શરીરે ઈજાઓ પહોંચી હતી. અચાનક થયેલા હુમલાને કારણે સ્થળ પર અફરાતફરી અને ભાગદોડનો માહોલ સર્જાયો હતો.

જાનથી મારવાની ધમકી આપ્યાનો આક્ષેપ

પોલીસ ફરિયાદ મુજબ, હુમલા દરમિયાન આરોપીઓએ અખાડામાં અન્નક્ષેત્ર કેમ ચલાવવામાં આવે છે તેમ કહીને અન્નક્ષેત્ર બંધ કરી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. હુમલા બાદ આરોપીઓએ નીચે પડેલી સાધુની જોળીમાંથી અન્નક્ષેત્રના ₹1.60 લાખ રોકડા લઈ લીધા હતા. આ ઉપરાંત વિપુલ રાવતની કિંમતની ધાતુની વીંટી પણ લઈ ગયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

ગિરનારી માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા કિન્નર અખાડાના અધ્યક્ષ ગિરનારી માતા ઉર્ફે સ્વીટુ માતાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ તેમણે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં શિવગિરી ગુરુ જયદેવગિરી અને અન્ય 3 અજાણ્યા શખ્સો સામે હુમલો, લૂંટ અને ધમકી સહિતના આરોપ છે. ફરિયાદના આધારે પોલીસે ફરાર આરોપી શિવગિરીની શોધખોળ શરૂ કરી છે.

હુમલા અંગે ગિરનારી માતાએ શું કહ્યું?

આ સમગ્ર ઘટના અંગે ગિરનારી માતા ઉર્ફે સ્વીટુ માતાએ જણાવ્યું કે, લીલી પરિક્રમા નિમિત્તે અખાડામાં પૂનમના દિવસે ભજન સંધ્યા યોજાઈ હતી. આ દરમિયાન અખાડામાંથી બાકાત કરાયેલ શિવગિરી નામના સાધુ ત્યાં આવી પહોંચ્યા. સાધુ પરંપરા અને નિયમ મુજબ તેમને 'ઓમ નમો નારાયણ' કહીને આવકાર્યા અને બેસવા માટે જગ્યા પણ આપી હતી.

ગિરનારી માતાના જણાવ્યા અનુસાર, શિવગિરીએ તેમની પાસે બેસીને ગુરુ હરિગીરી મહારાજ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને તેમને પણ ગાળો ભાંડી હતી. ગિરનારી માતાએ સાધુ શિવગીરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમની વાત સાંભળીને શિવગિરી અને તેની સાથે આવેલા લોકોએ તેમના પર તેમજ કિન્નર અખાડાના મહામંડલેશ્વરો અને સભ્યો પર હુમલો કર્યો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા.

પોલીસ દ્વારા ફરાર આરોપીની શોધખોળ

આ મામલે જૂનાગઢના DSP હિતેશ ધાંધલિયાએ જણાવ્યું કે, શિવગિરી દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ભવનાથ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 309(4), 115(2), 351(3), 294(2)(b), 54 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ ગુનો નોંધાયો છે. હુમલા બાદ ફરાર શિવગિરીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.

શિવગીરીનો ગુનાહિત ઈતિહાસ હોવાનો દાવો

ગિરનારી માતાના જણાવ્યા અનુસાર, શિવગિરી સામે 2018 થી 2026 દરમિયાન જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં કુલ 6 કેસ નોંધાયા હતા. આમાંથી 3 કેસમાં તે નિર્દોષ છૂટ્યો હતો. વધુમાં, ફેબ્રુઆરી 2026 માં તેને જૂનાગઢ ઉપરાંત રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાંથી પણ તડીપાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

  • પોલીસમાં નોંધાયેલા અગાઉના કેસોની વિગતો મુજબ, વર્ષ 2023માં ભવનાથ પોલીસ સ્ટેશનમાં શિવગિરી સામે IPCની કલમ 307 હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.
  • વર્ષ 2023માં જ ભવનાથ પોલીસ સ્ટેશનમાં શિવગિરીએ એક મહંતને ગાળો આપી અને મહંત સહિત અન્ય એક વ્યક્તિને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
  • વર્ષ 2024માં રાજ્ય સરકારે જામીનની શરતોના ભંગના આધારે શિવગિરીના જામીન રદ કરવા માટે જૂનાગઢ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે આ અરજી નામંજૂર કરી હતી.
  • વર્ષ 2018માં શિવગિરી સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં એક યુવકના માથામાં પાઈપ મારી અને કાચની બોટલથી તેના હાથમાં ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
  • વર્ષ 2021માં શિવગિરી સામે એક સાધુને લાકડીથી માર મારવાનો કેસ નોંધાયો હતો. જોકે, આ કેસમાં પૂરતા પુરાવા ન મળતા તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.