Girnar Lili Parikrama 2026: પવિત્ર ગિરનારની લીલી પરિક્રમાનું આજે અંતિમ દિવસ છે. પરિક્રમાના પ્રવેશદ્વાર એવા ઇંટવા ગેટને સવારે 7 વાગ્યે બંધ કરી દેવામાં આવ્યું હતું. કલેક્ટરના જાહેરનામા અનુસાર સવારે 7 વાગ્યા પહેલાં પ્રવેશેલા પરિક્રમાર્થીઓને જ આગળ પરિક્રમા રૂટ પર જવાની મંજૂરી આપવામાં આવી હતી.
પરિક્રમાના અંતિમ દિવસે પણ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે ગત વર્ષે ભારે વરસાદના કારણે લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી, ત્યારે આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
પ્રાપ્ત અંદાજ મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે 8 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી છે. જ્યારે હાલ પણ પરિક્રમા રૂટ પર અંદાજે 25 હજાર જેટલા શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી રહ્યા છે. આજે સાંજ સુધીમાં આ તમામ શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરીને બહાર નીકળી જશે. આમ, ભક્તિ, આસ્થા અને ઉત્સાહના માહોલ વચ્ચે ગિરનારની લીલી પરિક્રમાનું આજે વિધિવત સમાપન થશે.
