Girnar Lili Parikrama 2026: ગિરનાર લીલી પરિક્રમામાં ભાગ લેવા આવેલા ભાવિકોના પરિવારોનાં સહિત અન્ય બાળકો પોલિયો સામે સુરક્ષિત રહે તે હેતુથી જૂનાગઢ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ભવનાથ વિસ્તારમાં શૂન્યથી પાંચ વર્ષ સુધીનાં 350થી વધુ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની 4 મોબાઈલ ટીમો દ્વારા ભવનાથ વિસ્તારમાં વિવિધ સ્થળોએ રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત નાકોડા હેલ્થ સેન્ટર અને ઝોનલ ઓફિસ ખાતે આરોગ્ય કર્મચારીઓએ પરિક્રમામાં આવેલા ભાવિક પરિવારોનાં બાળકોને પોલિયોના ટીપાં પીવડાવ્યા હતા.
પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પરિવારો બાળકો સાથે આવતા હોવાથી કોઈપણ બાળક પોલિયો રસીકરણથી વંચિત ન રહે તે હેતુથી ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમોએ સ્થળ પર જ રસીકરણની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.
