Junagadh: શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતીય સંસ્કૃતિને પુનઃ ઉજાગર કરી ગુજરાત અને ભારતના તીર્થધામોને વૈશ્વિક પ્રવાસનમાં શીર્ષ પર લાવવાના સંકલ્પને અનુસરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાતત્યપૂર્ણ પ્રયત્નોથી પર્યટનને સરળ અને સુખદાયક બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ વિકાસયાત્રાને અગ્રેસર કરી રહ્યા છે.
મુખ્યમંત્રીના સઘન પ્રયાસો અને બારીક આયોજનની ફલશ્રુતિરૂપે હવે સોમનાથ દાદાના શ્રદ્ધાળુઓ અને ગીર જંગલના મુલાકાતે આવનાર યાત્રિકો માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. આ પ્રગતિશીલ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે અમદાવાદથી કેશોદ ડાયરેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધનતેરસના પર્વે સોમનાથ દાદાના ભક્તોને સરકાર દ્વારા વિમાન સેવાની આકાશી ભેટ મળી છે.
આ પણ વાંચો
Gir Somnath: ઈકો સેન્સિટિવ ઝોનમાં આવેલા ગીર ગઢડા તાલુકાના 4 ગામના 23 કુટુંબોને મફત પ્લોટની સનદ વિતરણ
આજરોજ વિમાન સેવાનો પ્રારંભ થતાં પહેલી ફ્લાઈટમાં આવેલ શ્રદ્ધાળુઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓને માળા પહેરાવી મો મીઠું કરાવી પૂજારી દ્વારા ચંદન તિલક કરી આવકારવામાં આવ્યા હતા.
જે બાદ ટ્રસ્ટની કોમ્પ્લીમેન્ટરી એર કન્ડિશન બસમાં સોમનાથ મહાદેવના દર્શને લવાયા હતા. મંદિરમાં કૃષ્ણ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા ખેસ ઓઢાડી આવનારી યાત્રીઓને આવકારાયા હતા. નવી સુવિધાથી પ્રસન્ન યાત્રીઓ હર હર મહાદેવનો નાદ કરી શિવજીના ચરણોમાં ભાવવિભોર થયા હતા.
ફ્લાઈટ સમયસૂચિ અને દિવસો:
અમદાવાદ થી કેશોદ વિમાન સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ – મંગળવાર, ગુરુવાર અને શનિવાર ઉપલબ્ધ રહેશે, જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ પ્રવાસન વિકલ્પો આપશે.
ફ્લાઇટની સમય સૂચિ અનુસાર
અમદાવાદથી કેશોદ:
સવારે 10:10 વાગ્યે ફ્લાઈટ ટેકઓફ કરશે અને 10:55 વાગ્યે કેશોદ પહોંચી જશે.
જ્યારે કેશોદથી અમદાવાદ:
બપોરે 13:15 વાગ્યે કેશોદથી ટેકઓફ કરી 14:30 વાગ્યે અમદાવાદ પરત આવશે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી નિશુલ્ક પીકઅપ બસ સેવા:
કેશોદ વિમાનમથક પર ઊતરતા યાત્રિકો અને શ્રદ્ધાળુઓને ઉત્કૃષ્ટ આતિથ્ય અનુભવ આપવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક 'વાતાનુકૂલિત પીક-અપ બસ' સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા પ્રવર્તમાન મુંબઈ-કેશોદ ફ્લાઈટ, અને નવી પ્રારંભ થયેલ અમદાવાદ-કેશોદ ફ્લાઈટમાં આવનાર યાત્રાળુઓને નિશુલ્ક બસ સેવાથી આરામદાયક અને સુગમ મુસાફરીનો અનુભવ આપશે.
સોમનાથ ટ્રસ્ટનું આતિથ્ય અને આરામદાયક પ્રવાસ:
શ્રી સોમનાથની પવિત્ર યાત્રા કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ માનવંદના અને આરામદાયક પ્રવાસ પ્રદાન કરવો હંમેશા સોમનાથ ટ્રસ્ટનો પ્રાથમિક ઉદ્દેશ રહ્યો છે. આ નવી પ્રવૃત્તિઓ શ્રદ્ધાળુઓની મુસાફરીને વધુ સુગમ અને સુખદ બનાવશે. સોમનાથના દેવદર્શન માટે આ નવી શરૂઆત સાથે આ વિમાન સેવા અને પીકઅપ બસની વ્યવસ્થા શ્રદ્ધાળુઓને અભૂતપૂર્વ અનુભવ કરાવશે.
