Gir Somnath: આજરોજ ધનતેરસના પવિત્ર દિવસે ક્લેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જામવાળા ગામે યોજાયેલ કાર્યક્રમમાં ગીર ગઢડા તાલુકાના જામવાળા, જૂના ઉગલા અને નવા ઉગલા ગામનાં ૨૩ લાભાર્થીઓને મફત પ્લોટની સહાય બાબતે સનદ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ 4 ગામો ઈકો સેન્સિટિવ ઝોનમાં આવેલ છે, તે ગામોમાં તાલુકા લેન્ડ કમિટી દ્વારા મંજૂર કરાયેલાં 23 લાભાર્થીઓને મફત પ્લોટનો હુકમ અને સનદ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ લાભાર્થીઓને હવે PMAY અંતર્ગત રૂ. 1,20,000/-, મનરેગા યોજના અંતર્ગત આશરે રૂ. 17,000/- અને SBM યોજના અંતર્ગત શૌચાલય અને બાથરૂમ સહાય તથા અન્ય લાભો મળવાપાત્ર થશે.
આ સિવાય કલેક્ટરશ્રી દ્વારા ઈકો સેન્સિટિવ ઝોનમાં આવેલ આ ગામમાં આંગણવાડી માટેની જમીન ફાળવણીનો હુકમ અર્પણ કરી કલેકટરની ગ્રાન્ટમાંથી આંગણવાડી માટે રૂ. 12 લાખની સહાય જાહેર કરવામાં આવી હતી.
કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, અત્યારે દિવાળીના નવલા પર્વની શરૂઆત થઈ રહી છે, ત્યારે આજે આ સનદના વિતરણ દ્વારા આ જરૂરિયાતમંદ લાભાર્થીઓના ઘરમાં સાચા અર્થમાં દિવાળીની ઉજવણી થશે.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીનીઓ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
