માંગરોળમાં મેઘતાંડવઃ 15 કલાકમાં 22 ઈંચ વરસાદથી શહેર જળબંબાકાર, સોસાયટીઓ બેટમાં ફેરવાઈ; ઘરોમાં પાણી ઘુસ્યા

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં છેલ્લા 15 કલાકમાં 22 ઈંચથી વધુ અને ત્રણ દિવસમાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને તંત્ર રાહત કાર્યમાં લાગી ગયું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 04 Jul 2026 04:57 PM (IST)Updated: Sat, 04 Jul 2026 04:57 PM (IST)
junagadh-news-mangrol-flood-due-to-22-inched-rain-in-15-hours

Junagadh Rain: મેઘરાજા જૂનાગઢને રીતસરના ઘમરોળી રહ્યા હોય તેમ બે દિવસથી સતત તોફાની બેટિંગ કરી રહ્યા છે. ગઈકાલે પણ જૂનાગઢ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો.

એમાં પણ માંગરોળમાં તો મેઘરાજાનું રૌદ્રનું સ્વરૂપ જોવા મળ્યું હતુ, જ્યાં માત્ર 15 કલાકના સમયગાળામાં 22 ઈંચથી વધુ ધોધમાર વરસાદ નોંધાયો હતો. આ સાથે જ માંગરોળમાં વીતેલા 3 દિવસમાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી જતાં ઠેર-ઠેર તરાજીના દ્રશ્યો સર્જાયા હતા. 

એકધારા પડી રહેલા વરસાદના પગલે માંગરોળ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ખેતરો દરિયામાં તબદિલ થઈ ગયા છે. હજુ પણ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

naidunia_image

ખાસ કરીને નીચાણ ભાગમાં આવેલી સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે અને લોકોના ઘરમાં 4-4 ફૂટ પાણી ભરાઈ ગયા છે. હાલ વરસાદે વિરામ લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરીને મોટું નુકસાન થયું છે.

naidunia_image

વરસાદે વિરામ લેતા તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી

આ અંગે માહિતી આપતા માંગરોળના SDM કિશન ગઢસરેએ જણાવ્યું કે, વરસાદ થંભી જતાં અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલ કરવા માટે ડી-વોટરિંગ પંપની મદદ લેવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈની કામગીરીની સાથે-સાથે જરૂરિયાદમંદો માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

naidunia_image

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી માંગરોળમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. માંગરોળમાં સામાન્ય રીતે આખી સિઝન દરમિયાન જે 1000 મિમી વરસાદ પડે છે. જો કે છેલ્લા 3 દિવસમાં જ સિઝન જેટલો વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે.