પરેશ ગોસ્વામીની આગાહીઃ અરબ સાગરમાં મજબૂત લો પ્રેશર સક્રિય, હજુ 72 કલાક મેઘો દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રને ઘમરોળશે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસું સક્રિય છે અને 65-70 ટકા વિસ્તારને આવરી લીધું છે. અરબ સાગરમાં બનેલી લો પ્રેશર સિસ્ટમથી આગામી 72 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 04 Jul 2026 12:00 AM (IST)Updated: Sat, 04 Jul 2026 12:00 AM (IST)
weather-expert-paresh-goswami-on-monsoon-update-next-72-hours-critical-with-heavy-rainfall-forecast
HIGHLIGHTS
  • બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સર્જાવાના કારણે વરસાદનો રાઉન્ડ વધુ લંબાઈ શકે છે

Weather Expert Paresh Goswami On Monsoon Update: આ વર્ષે લાંબી રાહ જોવડાવ્યા બાદ ગુજરાતમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. નૈઋત્યનું ચોમાસું જેમ-જેમ આગળ વધતુ જાય છે, તેમ-તેમ વરસાદનું જોર પણ વધી રહ્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે, જેના પગલે અનેક ઠેકાણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. એવામાં આગામી 72 કલાક પણ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.

ચોમાસું અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લી સુધી પહોંચ્યું

આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યના 65 થી 70 ટકા વિસ્તારને કવર કરી લીધુ છે.

ગઈકાલ સુધી પોરબંદર સુધી પહોંચેલુ ચોમાસું હવે ઓખા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર અને મોરબીના 50 ટકા વિસ્તારોને કવર કરીને છેક અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લી સુધી પહોંચી ગયું છે. હજુ પણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આવનારા દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે.

7 જુલાઈ સુધી અત્યંત ભારત વરસાદનું એલર્ટ

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અરબ સાગરમાં દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જેના પરિણામે આગામી 72 કલાક એટલે કે 7 જુલાઈ સુધી ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારી, તાપી, ડાંગ, આહવા, બારડોલી સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે.

સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ માટે 72 કલાક અત્યંત ભારે

દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ આગામી 6 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જો કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમ અને વાવણી લાયક વરસાદ ચાલુ જ રહેશે.

વરસાદનો રાઉન્ડ 12 જુલાઈ સુધી લંબાઈ શકે

આ અંગે વિગતો આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ અરબ સાગરની સાથે-સાથે બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સર્જાયું છે. જે ટૂંક સમયમાં ગુજરાત પરથી પસાર થવાની સંભાવના છે. જેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આગામી 12 જુલાઈ સુધી પણ લંબાઈ શકે છે.

જોકે રાજ્યના 15 થી 20 ટકા વિસ્તારો ખાસ કરીને કચ્છના 50 ટકા ભાગો અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને વાવ-થરાદના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહી શકે છે અથવા ત્યાં હળવો વરસાદ પડી શકે છે.