Junagadh Rain: જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલા અનરાધાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના કારણે શહેરના નીચાણવાલા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે, તો બીજી તરફ નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે.
વાંદરવડ નજીક પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એસ.ટી બસ ફસાઈ
ભારે વરસાદના કારણે માળિયા હાટીનાના વાંદરવડ ગામ નજીક એક એસ.ટી. બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. આ સમાચાર મળતા જ તંત્ર હરકતમાં આવી ગયું છે અને બસમાં સવાર મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
નદીના પાણી નગરોમાં ફરી વળતાં લોકોને હાલાકી
સતત વરસી રહેલા વરસાદને કારણે માળિયા હાટીનાના શાક માર્કેટ, રણછોડનગર સોસાયટી, જલારામ મિલ પ્લોટ સહિતના નદી કિનારાના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે.
25 ઇંચ વરસાદ, ડેમો છલકાયા
માળિયા હાટીનામાં છેલ્લા ત્રણ દિવસમાં આશરે 25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ આંકડો સિઝનના કુલ સરેરાશ વરસાદના 50 ટકા જેટલો છે, જેનાથી આ વર્ષે સારા ચોમાસાની આશા વધુ પ્રબળ બની છે.
ભારે વરસાદને પગલે માળિયા હાટીના તાલુકાની જીવાદોરી ગણાતા ભાખરવડ ડેમ અને વ્રજમી ડેમ સહિતના જળાશયોમાં નવા નીરની આવક શરૂ થતાં જળાશયો પાણીથી લબાલબ ભરાઈ ગયા છે. જેના પરિણામે જગતના તાતમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
