Junagadh Rain: જૂનાગઢ જિલ્લાના મેંદરડા-સમઢિયાળા રોડ પર આજે સાંજે ભારે વરસાદના પગલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં 19 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ વિભાગની સમયસૂચકતા અને સાહસિક કામગીરીને કારણે આ તમામે તમામ લોકોનો આબાદ બચાવ થયો છે.
આજરોજ તારીખ 3 જુલાઈ 2026ના રોજ સાંજે 5:17 કલાકે ફાયર કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે, મેંદરડા-સમઢિયાળા રોડ પર ભારે વરસાદને કારણે વાહનો પાણીમાં ફસાઈ ગયા છે. આ માહિતી મળતા જ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમ તત્કાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ઘટનાસ્થળે પહોંચીને જોયું તો ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા, જેમાં એક ફોર-વ્હીલર ગાડી, એક રિક્ષા અને એક ઇકો ગાડી એમ કુલ ત્રણ વાહનો પાણીના વહેણમાં ફસાઈ ગયા હતા. આ વાહનોમાં કુલ 19 લોકો સવાર હતા, જેઓ અચાનક આવેલા પાણીના પ્રવાહને કારણે ફસાઈ ગયા હતા.
ફાયર વિભાગના જવાનોએ કમર સુધીના વહેતા પાણીમાં ઉતરીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જવાનોએ સાહસ દાખવીને તમામ 19 લોકોને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જે બાદ તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી તેમની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી.
