Junagadh Rain: એક તરફ ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈને આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ આપ્યું છે. જેના પગલે સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 48 કલાકથી મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
આકાશમાંથી વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર બની ગયો છે. કેશોદ, માંગરોળ, માળિયા હાટીના અને વંથલી સહિતના વિસ્તારોમાં નદીઓ ગાંડીતૂર બની છે
છેલ્લા બે કલાકમાં જ માંગરોળમાં 20 ઈંચ ધોધમાર વરસાદ, જનજીવન ખોરંભે
સાંજના 6 થી 8 વાગ્યાના માત્ર બે કલાકમાં જ 203 મીમી વરસાદ સાથે કુલ 20 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વીતેલા 40 કલાકમાં 32 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
આવી જ રીતે માળિયા હાટીનામાં 13.98 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યાં છેલ્લા 40 કલાકમાં 27 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. મેંદરડામાં 12.48 ઈંચ , કેશોદમાં 12.17 ઈંચ જ્યારે વંથલી 3.98 ઈંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે ગીર સોમનાથની વાત કરવામાં આવે તો, પાટણ-વેરાવળમાં 7.95 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુત્રાપાડામાં 3.94 ઈંચ વરસાદ નોંધાયો છે.
કેશોદ અને માંગરોળ સાહેબના વિચારોમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક ગામોનો સંપર્ક મુખ્ય માર્ગો સાથે તૂટી ગયો છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ઘેડ વિસ્તાર જે સામાન્ય રીતે ચોમાસામાં વધુ સંવેદનશીલ ગણાય છે, ત્યાં આ વખતે સ્થિતિ વધુ વિકટ બની છે. ઓજત નદી અને આસપાસના જળાશયોમાં પાણીની આવક થતાં અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
ગ્રામીણ વિસ્તારોમાં લોકો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે. ખેતીલાયક જમીનમાં પાણી ભરાઈ જવાથી પાકને પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવાની સતત સૂચના આપવામાં આવી રહી છે.
ઓઝત વિયર ડેમ ઓવરફ્લો: 10 દરવાજા
પરિસ્થિતિની ગંભીરતાને જોતા, સિંચાઈ વિભાગે તાત્કાલિક અસરથી પગલાં લીધા છે. વંથલી તાલુકાના શાપૂર ગામ પાસે આવેલ ઓઝત વિયર ડેમમાં પાણીનું સ્તર જોખમી સપાટીએ પહોંચતા, ડેમનું રૂલ લેવલ 29.80 જાળવી રાખવા માટે ડેમના તમામ દસ (10) દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા નદીના પટમાં અવર-જવર ન કરવા અને નીચાણવાળા વિસ્તારોના રહીશોને સતર્ક રહેવા માટે સખત તાકીદ કરવામાં આવી છે. કલેકટર જૂનાગઢ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સતત આ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
બચાવ કામગીરી: ONGC ના કર્મચારીઓનું સફળ રેસ્ક્યુ
આ કુદરતી આફત વચ્ચે માનવતાના અને ત્વરિત કામગીરીના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. માણાવદર તાલુકાના બુરી ગામ ખાતે ભારે વરસાદને કારણે ONGC ના કર્મચારીઓ પાણીમાં ફસાઈ ગયા હોવાની માહિતી મળતા જ વહીવટી તંત્ર દોડતું થયું હતું.
તાત્કાલિક ધોરણે હોમગાર્ડની ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. હોમગાર્ડના જવાનોએ પોતાની જીવના જોખમે ભારે વરસાદ અને વહેતા પાણીની વચ્ચે ઓપરેશન હાથ ધરી, તમામ કર્મચારીઓને સહી-સલામત રીતે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. આ સફળ કામગીરીને લઈને વહીવટી તંત્રની કાર્યક્ષમતાના વખાણ થઈ રહ્યા છે.

તંત્રની તૈયારી: NDRF અને SDRF તૈનાત
જૂનાગઢ જિલ્લાના કેશોદ, માંગરોળ અને માળિયા હાટીના તાલુકાઓમાં સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી, જિલ્લા પ્રશાસન દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. કેશોદ ખાતે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમ તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓએ કેશોદ શહેરી વિસ્તાર અને અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને સ્થાનિક અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર, NDRF, SDRF અને તમામ સંલગ્ન વિભાગો ૨૪ કલાક એલર્ટ મોડ પર છે. નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નાગરિકો માટે અપીલ
વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે:
૧. નદીના પટ, કોઝવે કે પુલ ઉપરથી પાણી વહેતું હોય ત્યારે ત્યાંથી પસાર થવાનું ટાળવું.
૨. અફવાઓ પર ધ્યાન ન આપવું અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું.
૩. પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવું.
૪. કોઈપણ પ્રકારની ઇમરજન્સી હોય તો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.
સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે આ સ્થિતિમાં લોકોએ સાવધ રહેવું અનિવાર્ય છે. તંત્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તમામ સંસાધનો સાથે કાર્યરત છે.
