સુરત જિલ્લામાં સાંબેલાધારઃ અંબિકામાં સવા 13 ઈંચ ધોધમાર વરસાદ, મધર ઈન્ડિયા ડેમ છલકાયો; અનેક રસ્તા બંધ કરાયા

સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે અંબિકા તાલુકામાં 12 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના પરિણામે મધર ઇન્ડિયા ડેમ છલકાઈ ગયો છે. અંબિકા, મહુવા અને બારડોલી તાલુકાના 24 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે અને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જણાવાયું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 03 Jul 2026 08:39 PM (IST)Updated: Fri, 03 Jul 2026 08:39 PM (IST)
surat-rain-ambika-sees-more-than-13-inches-mother-india-dam-overflows

Surat Rain: જૂન મહિનો આખો કોરો કાઢ્યા બાદ જુલાઈની શરૂઆતથી જ નૈઋત્યના ચોમાસાએ જમાવટ કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને તો મેઘરાજા રીતસરના ઘમરોળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આજે પણ સુરત જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.


અંબિકા તાલુકામાં આખો દિવસ સાંબેલાધાર વરસાદ ખાબક્યો

આજે પણ સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ બરાબરનો જામ્યો હતો. જેમાં સવારે 6 થી રાતના 8 વાગ્યા દરમિયાન સૌથી વધુ 335 મિ.મી (13.19 ઈંચ) વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે અંબિકા તાલુકામાં આવેલો ઐતિહાસિક 'મધર ઇન્ડિયા ડેમ' ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે છલકાઈ ગયો છે.

બીજી તરફ ડેમનો આહલાદક નજરો સામે આવ્યો છે. ચાલુ સિઝનમાં ડેમ છલકાઈ જવાથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. ગ્રામજનોને ડેમની નજીક ન જવા અને સાવચેતી રાખવા માટે સૂચનાઓ અપાઈ છે.

 

Rajkot: 'રજેશન ફૂડ પ્લાનેટ'ના કોલ્ડ સ્ટોરેજમાંથી મંકોડા મળ્યા, મનપાના ફૂડ વિભાગે વધુ 5 પેઢી સીલ કરી

 

ભારે વરસાદથી જિલ્લાના 24 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા

સુરત જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અંબિકા, મહુવા અને બારડોલી તાલુકાના પંચાયત હસ્તકના કુલ 24 જેટલા આંતરિક અને ગ્રામ્ય માર્ગો વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરાયા છે. નાગરિકોની સુરક્ષા અને અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે જાહેર જનતાને અનુરોધ છે.


અંબિકા તાલુકામાં નદી-નાળાઓના રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર બંધ કરાયા છે. જેમાં કોષ ખાખરી ફળિયાથી ચડાવ રોડ બંધ થતાં વાહનચાલકો માટે SH-178 કોષ આંગળધારા પાલગભાણ ભીનાર રોડનો વૈકલ્પિક રૂટ તરીકે ઉપયોગ કરી શકાશે. વહેવલ હટવાડા ઝાડી ફળિયા રોડ, વહેવલ ખુંટી ફળિયા રોડ બંધ થતા વહેવલ સિંધઈ રોડ અને સ્ટેટ હાઈવે-165 ઘોડીસ્થળથી વહેવલ ઝાડી ફળીયા રોડનો ઉપયોગ કરી શકાશે.

મહુવરીયા પટેલ ફળિયા ટુ લીમડી ફળિયા ટુ કાંકરીમોરા કોલોની રોડ પર પાણી ફરીવળવાથી વૈકલ્પિક રસ્તા તરીકે વલવાડા-ધામખડી-મહુવારીયા રોડ અથવા હળદવા-મહુવારીયા રોડનો ઉપયોગ કરી શકશે.

ગાંગડીયા ગામના ગાંગડીયા ડાઉતપોર ફળિયા રોડ અને મહુડી ફળિયા રોડ બંધ થતાં ગાંગડીયા પટેલ ફળીયા રોડ તેમજ બુટવાડા (વલવાડા મરીમાતા ક્વોરી) ભવાની ફળિયા રોડથી જિલ્લાની હદ સુધીના રોડ પર પાણી ફરી વળતા વૈકલ્પિક રોડ તરીકે વલવાડા મરીમાતા બુટવાડા એપ્રોચ રોડનો ઉપયોગ કરી શકાશે.

આ ઉપરાંત ઉપલી કોષ નહેર સર્વિસ રોડથી માજી સરપંચ પરસોતમભાઈ હાઉસ અને ઈંટરનલ રોડ બંધ થવાથી વૈકલ્પિક રોડ તરીકે કોષ ચઢાવ રોડ, લસણપુર શામજી ફળીયા રોડ બંધ થવાથી લસણપુર તરકાણી લસણપુર ગાંગડીયા કુમકોતર કાંકરીયા રોડ, બુટવાડા રુમાથી વાકલાબેડા રાયપુરા બુટવાડાને જોડતો રસ્તો બંધ થવાથી વલવાડા મરીમાતા બુટવાડા એપ્રોચ રોડ તેમજ વલવાડા મરીમાતા બુટવાડા એપ્રોચ રોડ બંધ થવાથી SH મહુવા અનાવલ રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શક્શે.

મહુવા તાલુકામાં પણ નીચાણવાળા વિસ્તારો અને કોઝવે પર પાણી ફરીવળતા નળધરા-સરકાર ફળિયા ટુ બેઝીયા રોડ બંધ થતા કાદીયા કેનાલથી અંધાત્રી મુડત રોડ પર ડાયવર્ટ કરાયા છે. જ્યારે ખરવણ ભીલ ફળિયા રોડ બંધ થતા મદ્ર સાંબા-ફૂલવાડી સાંબા ભોરીયા વાલ્વાળા રોડ અથવા કરચેલીયા-બારતાડ-ખરવણ રોડનો ઉપયોગ કરી શક્શે.

ખરવણ કોધાર ફળિયા રોડ બંધ થતા મદ્ર સાંબા ફૂલવાડી સાંબા ભોરીયા વાલ્વાળા રોડ, નલધારા વજેસિંગથી કઢૈયા હનુમાન મંદિર રોડ બંધ થતા કરચેલીયા બુહારી અથવા વાસકૂઈ કઢૈયા રોડ, નળધરા સરકાર ફળીયા રોડ બંધ થતા કાદીયા કેનાલથી અંધાત્રી મુડત રોડ, અલગટ-બાવલી ફળીયા રોડ બંધ થતા બાવલી ફળીયા કાદીયા કેનાલથી અંધાત્રી મુડત રોડનો ઉપયોગ કરી શક્શે. તેમજ કઢૈયા એપ્રોચ રોડ બંધ થતા વાહનચાલકોને SH TO મહુવા-અનાવલ રોડનો વૈકલ્પિક રોડ ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.

આ સાથે બારડોલી તાલુકામાં વાંકાનેર પારડી વાલોડ રોડ ઓવરટોપીંગ થવા વૈકલ્પિક રસ્તા તરીકે વાંકાનેર અલ્લુથી મહુવા સ્ટેટહાઈવે રોડનો ઉપયોગ કરી શકાશે. આ સાથે સુરાલી કોટમુંડાથી બેલ્ધા રોડ બંધ થવાથી સુરાલી ધારીયા ઓવારા રોડ અથવા સુરાળી ESH-5 થી બેલ્ધા રો઼ડ, સુરાલી ધારીયા ઓવારા રોડ ઓવરટોપીંગથી બંધ થતા SH-5 રોડનો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકાશે.

તેમજ સુરાલી સવિન જકાભાઈનાં ઘરથી ધારિયા કોઝવે રોડ બધ થતા સુરાલી ધારીયા ઓવારા રોડ અથવા સુરાલી કોટમુંડાથી બેલ્ધા રોડનો ઉપયોગી કરી શકાશે. સેજવાડ એપ્રોચ રોડ ઓવરટોપીંગ થતા વૈકલ્પિક રસ્તા તરીકે સેજવાડ વાંગડી ફળીયા થી સેજવાડ સીકે રોડને વૈકલ્પિક માર્ગ તરીકે કાર્યરત કરાયો છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર, આ 3 તાલુકાના 24 રસ્તાઓ પરથી પૂરના પાણી ઉતરતાની સાથે જ માર્ગો ફરીથી ખુલ્લા મૂકવામાં આવશે. ત્યાં સુધી તમામ નાગરિકોને ધૈર્ય રાખવા અને સુરક્ષિત મુસાફરી માટે ફરજિયાતપણે દર્શાવેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવા નમ્ર વિનંતી છે.