Junagadh Kotecha Family Diwali Celebration: હાલ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આ રોશનીના પર્વ પર લક્ષ્મી પૂજનનું આગવું મહત્ત્વ છે. એવામાં જૂનાગઢનો કોટેચા પરિવાર છેલ્લા ચારેક દાયકાથી લક્ષ્મી પૂજનને અનોખી રીતે ઉજવી રહ્યો છે, જેમાં દિવાળીના દિવસે સમગ્ર પરિવારના સભ્યો એકઠા થઈને દીકરીઓ અને પુત્રવધુઓનું લક્ષ્મીના સ્વરૂપે વિધિવત પૂજન કરે છે.
કોટેચા પરિવારનું માનવું છે કે, જે ઘરમાં વહુ રાજી રહે, ત્યાં ક્યારેય કોઈ વાસ્તુની જરૂર નથી પડતી. આથી છેલ્લા 42 વર્ષથી અમારી ઘરની દીકરીઓની પૂજા કરવાની પરંપરા એકધારી જળવાઈ રહી છે. જેમાં પરિવારની તમામ બહેન, દીકરીઓ, વહુઓની લક્ષ્મી સ્વરૂમ માનીને તમામની પૂજા કરવાની અને તેમની માફી માંગવાની. આ સાથે જ કાયમ સુખ-શાંતિ આપે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પાર્થના કરવાની.
પરિવારની મહિલાએ જણાવ્યું કે, અમારા ઘરમાં 42 વર્ષથી લક્ષ્મી પૂજા થાય છે, પરંતુ અમે મૂર્તિ પૂજા નથી કરતા. ઘરની સાસુ, દીકરી, વહી તમામ મહિલાઓને બેસાડીને તેમની આરતી ઉતારીએ છીએ અને પૂજા કરીએ છીએ. અમારા પરિવારના નાના-નાના ભૂલકાઓએ પણ વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે.
ઘરમાં વહુ-દીકરીઓ ખુશ હશે, તો લક્ષ્મી પધારવાની જ છે
પરિવારની પુત્રવધુએ જણાવ્યું કે, હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર એવા દિવાળીમાં ઘરે-ઘરે મૂર્તિ પૂજા અને ચોપડાનું પૂજન થાય છે. જો કે અમારા કોટેચા પરિવારમાં મારા દાદીજી સાસુ વખતની એક પરંપરા ચાલતી આવે છે. તેઓ કહેતા હતા કે, જે ઘરમાં વહુ અને દીકરીઓ ખુશ રહે, તો ત્યાં લક્ષ્મી આવવાની જ છે. બસ ત્યારથી અમારા પરિવારમાં આ પરંપરા ચાલતી આવે છે. જેમાં દિવાળીના દિવસે પરિવારની તમામ બહેન-દીકરીઓને લક્ષ્મી સ્વરૂપ સમજીને તેમની પૂજા કરવામાં આવે છે.
આજના આધુનિક યુગમાં જ્યાં એક તરફ સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે અને પરિવારના સભ્યો વચ્ચે મતભેદો વધી રહ્યા છે, ત્યારે કોટેચા પરિવારની આ અનોખી પરંપરા પરિવારોને એકજૂટ રાખવામાં તેમજ પરિવારના સભ્યોમાં એકતા અને સ્નેહ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
