Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રીએ પરિવાર સાથે 'રામાયણ' ફિલ્મ નિહાળી, કાલે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોર, નોલેજ હબ અને હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિવાળી નિમિત્તે ગુજરાત પ્રવાસે છે, જ્યાં તેઓ પરિવાર સાથે ફિલ્મ નિહાળ્યા બાદ રૂ. 1024 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ યોજનાઓમાં સરખેજ-ગાંધીનગર ફ્લાયઓવર, નોલેજ હબ, અર્બન હેલ્થ સેન્ટર અને ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોર જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ સામેલ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 08 Nov 2026 09:54 PM (IST)Updated: Sun, 08 Nov 2026 09:54 PM (IST)
ahmedabad-news-from-family-movie-outing-to-rs-1024-cr-projects-amit-shahs-action-packed-gujarat-visit

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિવાળી નિમિત્તે પોતાના 4 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે તેમણે પોતાના પરિવાર સાથે ગોતા સ્થિત પી. સ્ક્વેર થિયેટરમાં બોલિવૂડ ફિલ્મ નિહાળી હતી. જે બાદ આવતીકાલે સોમવારના રોજ તેઓ પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં રૂ. 1024 કરોડના ખર્ચે હાથ ધરાયેલ વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે.

આ અંગે વિગતો આપતા અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું કે, આ વિકાસલક્ષી યોજનાઓમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલ ફ્લાયઓવર, જોધપુર નોલેજ હબ અને ગોતા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ સામેલ છે. આ ઉપરાંત જૂના વાડજ સ્થિત રામાપીરના ટેકરા ખાતે પુનઃવિકસિત કરાયેલા લોકો માટે આવાસ ફાળવણીના કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે.

અમિત શાહના આવતીકાલના કાર્યક્રમો પર નજર કરીએ તો, તેઓ સવારે સાડા 10 વાગ્યે અમદાવાદના એસ.જી. હાઈવે પર ઈસ્કોન ચાર રસ્તાથી સાણંદ સુધીના ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. જે બાદ 11 વાગ્યે સેટેલાઈટ વિસ્તારમાં અમદાવાદ મનપા અને શ્રીનાથ ફાઉન્ડેશનના સહયોગથી નિર્મિત નોલેજ હબનું લોકાર્પણ કરશે.

સવારે સવા 11 વાગ્યે શહેરના સાયન્સ સિટી રોડ, ગોતા ખાતે અમદાવાદ મનપા દ્વારા નવનિર્મિત અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે 12 વાગ્યાની આસપાસ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે શહેરના સ્ટેડિયમ વોર્ડ અંતર્ગત આવતા રામાપીરના ટેકરા ખાતે 1000 જેટલા આવાસો લાભાર્થીઓને ફાળવવામાં આવશે.

બપોરે 12 વાગ્યે રાણીપ GSRTCના બસ સ્ટેન્ડની સામે આવેલા મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. આ તકે અમિત શાહ જનસભાને સંબોધિત પણ કરશે.

ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરથી લાખો વાહનચાલકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ

અમિત શાહ અમદાવાદના ઈસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી સુધી રૂ. 464 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા સિક્સ લેન એલિવેટેડ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. જેના પગલે એસ.જી હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે-સાથે દરરોજ આ રોડ પરથી પસાર થતાં અંદાજે 2 લાખ વાહન ચાલકોને રાહત મળવાની શક્યતા છે.

છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી બની રહેલ આ કોરિડોર હવે બનીને તૈયાર થઈ ચૂક્યો છે, જેને આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ખુલ્લો મૂકાયા બાદ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અવરજવર સરળ થઈ જશે. ખાસ કરીને એસ.જી. હાઈવે પર ઈસ્કોન થી સાણંદ ચોકડી વચ્ચે ટ્રાફિક જામમાંથી વાહન ચાલકોને મુક્તિ મળશે. તેમજ સૌરાષ્ટ્ર જતા વાહનચાલકોને પણ આ કોરિડોરથી લાભ થશે.