Junagadh: કેશોદમાં 25મીએ ખેડૂત મહાપંચાયત, બજરંગ પુનિયા અને યોગેન્દ્ર યાદવ હાજર રહેશે

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ગામે વેરાવળીધામ ખાતે 'સયુંકત કિસાન મોરચો - ગુજરાત' અને 'ઘેડ વિકાસ સમિતિ' દ્વારા એક મોટી 'ખેડૂત મહાપંચાયત' કરવાનું આયોજન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 18 Oct 2024 06:29 PM (IST)Updated: Fri, 18 Oct 2024 06:29 PM (IST)
junagadh-news-khedut-maha-panchayat-held-on-25th-oct-at-keshod
HIGHLIGHTS
  • દેવું માફ કરવાની માગ પર ખેડૂતો મક્કમ
  • સૌરાષ્ટ્રમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માગણી

Junagadh: સૌરાષ્ટ્રમાં પાછોતરા વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ત્યારે કિસાન આગેવાનો દ્વારા પાક નુકસાનીના વળતર મુદ્દે તેમજ કૃષિ નીતિ અંગે સરકાર અન્યાય કરી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. એવામાં કિસાન મોરચા દ્વારા ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે આગામી 25મીએ કેશોદના બામણાસા ગામમાં બજરંગ પુનિયા અને યોગેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે કિસાન મોરચાના પાલ આંબલિયાએ જણાવ્યું કે, ચાલુ વર્ષની કુદરતી આપતીમાં થયેલ પાક નુકસાની, જમીન ધોવાણ સામે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે, પોરબંદર-જૂનાગઢ એમ બે જિલ્લાના 7 તાલુકાનાં અંદાજે 100 જેટલા ગામો, 1 થી દોઢ લાખ હેકટર ખેતી લાયક જમીન દોઢ થી 2 લાખ વસ્તી ધરાવતો ઘેડ વિસ્તારનો કાયમી પ્રાણ પ્રશ્ન છે તેનું નિરાકરણ, ગીર જંગલ ફરતે આવતા 196 ગામોમાં જે ઇકો સેન્સેટિવ જોન દાખલ કરવાની કવાયત સરકારે ધરી છે તેને હટાવવામાં આવે જેવા અનેક મુદ્દાઓ છે.

ઘેડ વિસ્તારના પ્રાણપ્રશ્નનો કાયમી ઉકેલ, ભાદર-ઊબેણ-ઓઝતમાં છોડવામાં આવતા ઝેરી કેમિકલ કચરાથી કાયમી મુક્તિ આપવા, ઘેડ વિસ્તાર માટે ખાસ 'ઘેડ વિકાસ નિગમ' બનાવવા, ચાલુ વર્ષનું ખેડૂતોનું 'પાક ધિરાણ' સંપૂર્ણપણે માફ કરવા, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવા, ઇકો સેન્સેટિવ જોન સંપૂર્ણપણે રદ્દ કરવા, જમીન ધોવાણ સામે તાત્કાલિક યોગ્ય વળતર આપવા, ઘેળ વિસ્તાર માટે ઓછામાં ઓછા 10 હજાર કરોડના સ્પેશિયલ પેકેજ આપવા, ચાલુ વર્ષે અતિવૃષ્ટિ, કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની સામે તમામ ખેડૂતોને યોગ્ય વળતર આપવા, અતિવૃષ્ટિના કારણે થયેલ જમીન ધોવાણના યોગ્ય વળતર આપવા, જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ નુકશાનીના ફરજીયાત બીન પિયતના ભરાવવામાં આવેલા ફોર્મમાં પિયત પાકોનું વળતર આપવા, ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવા, પશુપાલન સાથે જોડાયેલ પશુપાલકોને અતિવૃષ્ટિમાં થયેલ પશુ હાની સામે યોગ્ય વળતર અને પશુ પાલકોને દુધના યોગ્ય ભાવ આપવા અને ખેડૂતોના દેવા માફી, ખેડૂતો માટે કાયમી કૃષિનીતિ, કૃષિપંચ બનાવવાની માંગ સહિતના પ્રશ્ર્નોને રજૂઆત કરાશે.

આ તમામ મુદ્દે આવતી 25 ઓક્ટોબર, શુક્રવારે સવારે 9 વાગ્યે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ગામે વેરાવળીધામ ખાતે 'સયુંકત કિસાન મોરચો - ગુજરાત' અને 'ઘેડ વિકાસ સમિતિ' દ્વારા એક મોટી 'ખેડૂત મહાપંચાયત' કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેડૂત મહાપંચાયત પુરી થયા બાદ તે ફોર્મ જૂનાગઢ કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને મોકલીએ તેવી અપીલ સંયુક્ત કિસાન મોરચો ગુજરાત દ્વારા કરવામાં આવી હતી.